ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 ડિસેમ્બર 2020
કિસાન આંદોલન એ હવે રાજકીય સ્વરૂપ લીધું છે. પંજાબ હરિયાણાના કેટલાક ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સામે પક્ષે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તરાખંડ સહિતના રાજ્યો સરકારના પક્ષમાં ઉભા થયાં છે.
જ્યારે બીજી તરફ ખેડૂતોના મનમાં રહેલા અને ગેરમાર્ગે દોરાયેલાં તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સરકાર સતત ખેડૂતો સાથે બેઠકો યોજી રહી છે. તેવામાં હવે અનેક રાજ્યોના ખેડૂતો આ કૃષિ કાયદાના સમર્થનમાં ઉભા થયા છે.
નવો કૃષિ કાયદો લોકસભા અને રાજ્યસભામાંથી સર્વસંમતિ એ પસાર થઈ ગયો છે. આમ છતાં દેશમાં કૃષિ કાયદાને લઈને વિરોધ પક્ષો દ્વારા માત્રને માત્ર પોતાના ફાયદા માટે ફેલાવવામાં આવેલી અફવાઓના કારણે દિલ્હી બોર્ડર પર પંજાબ તથા હરિયાણાના ખેડૂતો છેલ્લા 20 દિવસથી કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે.
ખેડૂતોના કૃષિ આંદોલન વચ્ચે અખિલ ભારતીય ખેડૂત સંકલન સમિતિ (એઆઈકેસીસી) સાથે સંકળાયેલા દસ ખેડૂત નેતાઓ કૃષિ બિલ સમર્થનમાં કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજી હતી. ખેડૂત સંગઠનોના આ પ્રતિનિધિઓ કેન્દ્રીય કૃષિ પ્રધાનને મળી ત્રણ કૃષિ કાયદાને સમર્થન આપવા માટે ઉત્તર પ્રદેશ, કેરળ, તામિલનાડુ, તેલંગણા, બિહાર અને હરિયાણા જેવા અનેક રાજ્યોથી રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા.
કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથેની બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે, છેલ્લા ત્રણ દાયકામાં ખેડુતોનું શોષણ કરનારા કાયદા સામે એઆઈસીસીએ હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને તે આગળ પણ ચાલુ રાખશે.