ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020
સમાજમાં ઘણાં બધાં દાખલા જોવા મળશે જેમાં સફળ કારકિર્દી ધરાવતી પત્નીઓ ઘર અને બાળકો માટે કાર્ય છોડી દેતી હોય. પરંતુ જર્મનીના સૌથી મોટા ફેનલાઇન ફેશન રિટેલર જાલ્ન્ડો એસઇના સહ-સીઇઓ રૂબિન રિટરે પત્નીની કારકિર્દી માટે 750 કરોડ રૂપિયા (112 મિલિયન ડોલર) નું બોનસ જતું કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના ડાયરેક્ટર બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ન હોવાને કારણે, ભૂતકાળમાં તેમની ઘણી ટીકા થઈ હતી. હવે રુબિન રિટરે કહ્યું છે કે તે પત્નીને તેની કારકીર્દિમાં આગળ વધવામાં મદદ કરવા માટે આવતા વર્ષે નિવૃત્તિ લેશે.
રુબિનનો દાવો છે કે હવે તે ઘર અને બાળકોની સંભાળ રાખશે. જો રિટર આ કરે છે, તો તેણે 100 મિલિયન ડોલર એટલે કે 750 કરોડ રૂપિયાનું બોનસ જતું કરવું પડશે.
જોકે કેટલાક લોકો રુબિનના આ નિર્ણયને સોશિયલ મીડિયા પર નાટક ગણાવી રહ્યા છે. લોકો કહે છે કે રુબિને તેની બ્રાન્ડના પ્રમોશન માટે આ બધું કર્યું છે. અત્રે જણાવી દઈએ કે રુબિન રીટરની પત્ની એક ન્યાયાધીશ હતી અને તેણે બાળકો માટે કારકિર્દીમાંથી વિરામ લેવો પડ્યો હતો..
જાલ્ન્ડો એસઇના મોટાભાગના ગ્રાહકો મહિલાઓ છે પરંતુ પાંચ સભ્યોના બોર્ડમાં બધા ગોરા પુરુષો છે. ગયા વર્ષે, ઓલ બ્રાઇટ ફાઉન્ડેશન દ્વારા કોઈ પણ મહિલાઓને બોર્ડમાં ન રાખવા બદલ તેની આકરી ટીકા થઈ હતી. આ પછી, કંપનીએ ઉચ્ચ કાર્યકારી સ્તરે મહિલાઓની ભાગીદારી વધારવાનું વચન આપ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે તે 2023 સુધીમાં મેનેજમેન્ટ બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારીને 40 ટકા કરશે.
હકીકતમાં, જાલેન્ડોમાં ઉચ્ચ સ્તરે મહિલાઓના પ્રતિનિધિત્વનો અભાવ આશ્ચર્યજનક નથી. યુરોપિયન દેશોમાં, જર્મની લિંગ પ્રમાણે વેતનમાં અંતર કરવા બદલ કુખ્યાત છે. અહીં મહિલા અને પુરુષના વેતનમાં ખાસો તફાવત જોવા મળે છે.. અહીંની કંપનીઓના બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વનું સ્તર યુરોપિયન દેશોમાં સૌથી નીચું છે. જર્મનીની સૌથી મોટી 160 કંપનીઓના બોર્ડમાં માત્ર 9.3 ટકા મહિલાઓ છે.
