ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
આજનો દિવસ ભારતની લોકશાહીના ઈતિહાસમાં માઈલ સ્ટોન જેવો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ અવસરે વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયાં હતાં અને સર્વધર્મ સંભાવની પ્રાર્થના કરવામાં આવી હતી. ભૂમિપૂજન બાદ પીએમએ ભારતની 130 કરોડ જનતાને પણ સંબોધી હતી.
પીએમ મોદીએ કહ્યું કે , આનાથી પવિત્ર શું હોય શકે કે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ ઉજવશે ત્યારે તે પર્વની સાક્ષાત પ્રેરણા અને સાક્ષી આપણી સંસદની નવી ઈમારત બનશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પહેલીવાર સંસદ પહોંચ્યાની ક્ષણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'હું મારા જીવનની એ ક્ષણ ક્યારેય ભૂલી શકીશ નહી. જ્યારે 2014માં પહેલીવાર એક સાંસદ તરીકે મે પ્રથમવાર જ સંસદ ભવનમાં પગ મૂક્યો હતો. ત્યારે મે શિશ ઝૂકાવીને, માથું ટેકીને લોકતંત્રના આ મંદિરને નમન કર્યા હતા.'
પીએમ મોદીએ કહ્યું કે આપણા હાલના સંસદ ભવને આઝાદીના આંદોલન અને ત્યારબાદ સ્વતંત્ર ભારતને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઝાદ ભારતની પહેલી સરકાર પણ અહીં બની અને પહેલી સંસદ પણ અહીં જ બેઠી હતી.
આ ઈમારત હવે લગભગ 100 વર્ષની થઈ રહી છે. વીતેલા વર્ષોમાં તેને જરૂરિયાત મુજબ અપગ્રેડ કરવામાં આવી. અનેક નવા સુધારાઓ બાદ સંસદનું આ ભવન હવે વિશ્રામ માંગે છે. વર્ષોથી નવા સંસદ ભવનની જરૂરિયાત જણાતી હતી. આથી 21મી સદીના ભારતને નવું સંસદ ભવન મળે તેની તાતી જરૂર હતી. આ ભવન 2022 મા બનીને તૈયાર થઈ જશે.