ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
03 ડિસેમ્બર 2020
બ્રિટનમાં કોરોના વેક્સિન ફાઇઝરને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે અને તે આગામી સપ્તાહે ઉપલબ્ધ થશે. ભારતમાં પણ ડિસેમ્બરના અંત કે આગામી વર્ષના શરૂઆતી મહિનામાં દેશી વેક્સિન મળવાની આશા છે એમ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ છે.
ગુલેરિયાએ કહ્યુ કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આશા છે કે ભારતીય નિયામક તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપશે. ત્યારબાદ અમે લોકોને રસી આપવાનું શરૂ કરીશું. તેમણે કહ્યુ, 'અમારી પાસે તે વાતને સાબિત કરવા માટે વધુ ડેટા છે કે આ વેક્સિન સેફ છે. વેક્સિન સેફ્ટીમાં કોઈ સમજુતી કરવામાં આવી નથી.'
મહત્વનું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ વેક્સિન પર ચેન્નઈના એક વોલેન્ટિયરે સાઇડ ઇફેક્ટનો આરોપ લગાવતા 5 કરોડ રૂપિયાની માગ કરી હતી. પરંતુ કંપનીએ તેનો ઇનકાર કરી દીધો હતો. ગુલેરિયાએ જણાવ્યુ કે, 70-80 હજાર વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવી છે અને કોઈ પર આ વેક્સિનના ગંભીર પરિણામ જોવા મળ્યા નથી અને વેક્સિન સેફ છે.
ગુલેરિયા એ વધુમાં કહ્યું છે કે, કોરોના વાયરસનાના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત સાથે જ અમેરિકા સહિત ભારતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો નોંધાયો છે. દુનિયાભરમાં કોરોનાની વેક્સીનની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ આજે ઉપરોક્ત વાત કહી છે..
