ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 ડિસેમ્બર 2020
આપણું રાષ્ટ્રગીત ફરી એક વાર ચર્ચામાં છે. કેમકે, ભાજપના નેતા અને સ્કોલર એવાં સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને રાષ્ટ્રગીતમાં જરૂરી બદલાવ કરવા માટે પત્ર લખ્યો છે. તેમણે આગળ લખ્યું કે, 26 નવેમ્બર, 1949 ના રોજ બંધારણ સભાના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 'જન ગણ મન …' ને રાષ્ટ્રગીત તરીકે મત આપ્યા વિના સ્વીકાર્યો હતો. જો કે, રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ભવિષ્યમાં સંસદ આ ગીતના શબ્દો બદલી શકે છે, કારણ કે ઘણા સભ્યો, તે સમયે માનતા હતા કે આ ગીત અંગે ચર્ચા થવી જોઈએ. કેમકે 'જન ગણ મન.." ખાસ તો બ્રિટિશ રાજાને આવકારવા માટે 1912માં કોંગ્રેસ સત્રમાં ગવાયું હતું. એમ માનવામાં આવે છે.
તે સમયે સભ્યોની ભાવનાઓને સમજીને ડૉ.રાજેન્દ્ર પ્રસાદે આ કામ ભાવિ સંસદ પર છોડી દીધું હતું. આથી જ સ્વામીએ સંસદમાં એક ઠરાવ લાવવા વડા પ્રધાનને અપીલ કરી છે કે, "જન ગણ મનની ધૂનને ખલેલ પહોંચાડ્યા વિના તેના શબ્દો બદલવામાં આવે." સ્વામીએ એમ પણ સૂચવ્યું છે કે આમાં ફક્ત સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલા ફેરફારોને જ સ્વીકારી શકાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે 'જન ગણ મન ..' ગીત સૌ પ્રથમ 27 ડિસેમ્બર 1911 ના રોજ ગવાયું હતું. આ ગીત બંગાળી ભાષામાં રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. તે પહેલા આ ગીત 28 નવેમ્બરના રોજ અંગ્રેજી અખબારોની હેડલાઇન્સ બન્યું હતું. બંધારણ સભાએ 24 જાન્યુઆરી, 1950 ના રોજ 'જન ગણ મન' ના હિન્દી સંસ્કરણને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું.