ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 નવેમ્બર 2020
દક્ષિણ ભારતના તમિલનાડુમાં આવતા વર્ષે મે માં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુની રાજધાનીની બે દિવસીય મુલાકાત માટે ચેન્નાઈ પહોંચ્યા હતા. બંગાળ બાદ હવે તમિલનાડુમાં વખતે ભાજપ આક્રમક રણનીતિ પર કામ કરવા જઈ રહી છે. શનિવારે ગૃહમંત્રી શાહે ગત શનિવારે રાતે આરએસએસના વિચાર એસ. ગુરુમૂર્તિ સાથે મુલાકાત કરી હતી. તેમનીઆ મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે ગુરુમૂર્તિએ સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર અમિત શાહ અને ગુરુમૂર્તિ વચ્ચે થયેલ બેઠકમાં રજનીકાંત સાથે રાજનીતિના મુદ્દા પર વાતચીત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગૃહ પ્રધાન અમિત શાહે જે રીતે DMK પર હુમલા કર્યા તે જોઇને ભાજપની નીતિ સાફ છે કે પાર્ટી હવે મોટી ભૂમિકા નિભાવવા માટે તલપાપડ થઇ રહી છે. જોકે આ રાજ્યમાં ભાજપ માટે રાહ સરળ નથી અને હજુ તો પાર્ટીએ પોતાનો કેડર ઉભો કરવાનો છે. પાર્ટી હવે રાજ્ય માટે પોતાનો એક ચહેરો ઉભો કરવા માંગે છે જેથી મોદી-શાહની જોડી વોટ માંગી શકે. નોંધનીય છે કે વર્ષ 2016માં જ આ રાજ્યમાં ચૂંટણી થઇ હતી જેમાં મોદી લહેર પણ ચાલી ન હતી. અને આખી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું પણ ન ખુલ્યું.
નોંધપાત્ર વાત એ પણ છે કે સુપરસ્ટાર રજનીકાંતે વર્ષ 2017માં જ જાહેરાત કરી હતી કે સમય આવશે ત્યારે તે રાજકારણમાં આવશે. જોકે આ વર્ષે માર્ચ મહિનામાં તેમણે કહ્યું હતું કે તેમને સીએમ બનવાની કોઈ ઈચ્છા નથી. હવે સુપરસ્ટાર રજનીકાંતને રાજકારણમાં લાવવા મુદ્દે અમિત શાહે પણ ચર્ચા કરી છે.