ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 નવેમ્બર 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદો માટે બનાવેલા બહુમાળી મકાનોનું ઉદ્ઘાટન કર્યું. આ નિવાસસ્થાન નવી દિલ્હી સ્થિત ડો.બી.ડી. માર્ગ પર છે. 80 વર્ષથી વધુ જુના આઠ બંગલાઓની જમીન પર સાંસદો માટે કુલ 76 ફ્લેટ બનાવવામાં આવ્યા છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, દાયકાઓથી જે સમસ્યાઓ ચાલી રહી છે, તેને ટાળવાથી નહીં, પરંતું સમાધાનો શોધીને ઉકેલ લાવવો પડે છે. સાંસદોના નિવાસસ્થાન જ નહીં, પરંતુ દિલ્હીમાં આવા ઘણા પ્રોજેક્ટ્સ હતા, જે દાયકાઓથી અધૂરા હતા. જેનું આ સરકાર દરમિયાન નિર્માણ શરૂ થયું અને નિર્ધારિત સમય પૂર્વે સમાપ્ત પણ થયું. અટલજીના સમયમાં, આંબેડકર રાષ્ટ્રીય સ્મારકની ચર્ચા શરૂ થઈ હતી, તે છેક આ સરકારમાં પુરી થઈ છે.
ઉપરાંત, આ સરકારમાં સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. આપણા દેશમાં હજારો પોલીસકર્મીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોતાનો જીવ આપ્યો છે. તેમની યાદમાં આ સરકારે નેશનલ પોલીસ મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું. આમ નાની નાની સમસ્યાઓ ને લીધે ખોરંભે ચઢેલા અનેક પ્રોજેકટ પૂરાં કરવા એ જ સરકારનું આગળનું લક્ષ છે..