ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
લોકડાઉન દરમ્યાન પબ્લિક વાહનવ્યવહાર બંધ રહેવાથી સામાન્ય માણસ લાચાર હતો. આથી જ લોકડાઉન ખુલતાં જ ટુ વ્હીલર અને નાની કારોના વેચાણમાં 450% વધુનો જોરદાર ઉછાળો નોંધાયો છે. આજે દેશમાં વેચાતી દર ત્રીજ ગાડીમાંથી એક કાર ગુજરાતમા બને છે.
ગુજરાતમાં પાછલાં 10 વર્ષમાં કાર કંપનીઓએ રૂ. 13,000 કરોડનું રોકાણ કર્યું છે.. ચાર મોટી કંપની- મારુતિ સુઝુકી, ટાટા, ફોર્ડ અને MG મોટર્સ ગુજરાતમાં સક્રિય છે. જ્યારે હોન્ડા પણ ગુજરાતમાં પેસેન્જર વેહિકલનો પ્લાન્ટ સ્થાપવા માગે છે.
• સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા મુજબ, વર્ષ 2019-20માં ભારતમાં 21.75 લાખ પેસેન્જર કારનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 7.10 લાખ ગાડીનું ઉત્પાદન ગુજરાતમાં થયું હતું. આ રીતે જોઈએ તો દેશમાં બનતી દરેક ત્રીજી કાર 'મેઇડ ઇન ગુજરાત' છે. ટકાવારીની રીતે જોઈએ તો દેશમાં બનતી પેસેન્જર કારમાંથી લગભગ 33% કારનું પ્રોડ્ક્શન ગુજરાત કરે છે.
• 1996- અમેરિકાની કંપની જનરલ મોટર્સે ગુજરાતના વડોદરા નજીક હાલોલ ખાતે પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો.
• 2010- ટાટા મોટર્સે સાણંદ ખાતે એની ડ્રીમ કાર- નેનો માટે પ્લાન્ટ સ્થાપેલો. હાલમાં ટાટાના પ્લાન્ટમાં ટિઆગો અને ટિગોર કારનું ઉત્પાદન થાય છે.
• 2015- ફોર્ડ મોટર ઇન્ડિયાએ સાણંદમાં પોતાની કારનું ઉત્પાદન શરૂ કર્યું છે.
• 2017- સુઝુકી મોટર કોર્પોરેશને બલેનો અને ત્યાર બાદ 2018માં સ્વિફ્ટ ગાડીનું પ્રોડક્શન પણ અહીં થયું છે.
• 2017- વેચાણ ઘટતાં અને વૈશ્વિક સ્તરે આર્થિક સંકડામણ આવી પડતાં જનરલ મોટર્સે ગુજરાતમાં ઉત્પાદન બંધ કર્યું.
• 2017-18- ચીનની MG (મોરિસ ગેરેજ) મોટરે જનરલ મોટર્સનો હાલોલ પ્લાન્ટ ટેકઓવર કર્યો અને એની વિવિધ બ્રાન્ડનું ઉત્પાદન શરૂ કર્યું. આમ પેસેન્જર કારમાં ગુજરાત હવે ધીમી, પણ મક્કમ ગતિએ દેશનું સૌથી મહત્ત્વનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે..
