ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
પોતાના વિવાદિત નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેતા વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન માર્લોન સેમ્યુઅલ્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. ડિસેમ્બર 2018માં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા પછી સેમ્યુઅલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમવા ઉતર્યો નહોતો. બુધવારે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ તેની નિવૃત્તિની પુષ્ટિ કરી છે.
વિન્ડીઝ બોર્ડે જણાવ્યું હતું કે, સેમ્યુઅલે બોર્ડને જાણ કરી હતી કે તે જૂનમાં નિવૃત્તિ લઇ રહ્યો છે. તેણે અંતિમ ઈન્ટરનેશનલ મેચ ડિસેમ્બર 2018માં રમી હતી. 39 વર્ષીય સેમ્યુઅલે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 71 ટેસ્ટ, 207 વનડે અને 67 ટી20 મેચો રમી છે. તેનું નામ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11 હજારથી વધારે રન છે. જ્યારે બોલિંગમાં હાથ અજમાવતા 150થી વધારે વિકેટ છે.
નોંધનીય છે કે સેમ્યુઅલે વેસ્ટ ઈન્ડિઝ માટે બે ટી20 વિશ્વકપ ફાઈનલ મેચોમાં સારી બેટિંગ કરતા જીત અપાવી હતી. 2012માં શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં તેણે 56 બોલ પર 78 રનની ઈનિંગ રમી હતી. કોલકાતામાં 2016માં રમાયેલી ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 85 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.