ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
છેલ્લા સાત મહિનામાં લોકડાઉનનો લાભ લઈ પશ્ચિમ રેલ્વે, મધ્ય રેલ્વે અને મુંબઇ રેલ વિકાસ નિગમે મુંબઈ વિભાગમાં 19 ફૂટ ઓવર બ્રિજ બનાવ્યા. તેમાંથી, 14 ફૂટ ઓવર બ્રિજ વેસ્ટર્ન રેલ્વેમાં છે અને બાકીના સેન્ટ્રલ રેલ્વે હેઠળ છે. લોકડાઉનમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે રેલ્વે અધિકારી આ પ્રોજેક્ટને આટલી ઝડપથી પૂર્ણ કરી શક્યા.
એપ્રિલ 2019 માં, આઈઆઈટી બોમ્બેએ પશ્ચિમ અને મધ્ય રેલ્વે વિસ્તારોમાં 50 ફૂટ ઓવર બ્રિજની મરામત સૂચવી હતી. આઈઆઈટીના રિપોર્ટ અનુસાર, એકલા મધ્ય રેલ્વેમાં 30 ફૂટઓવર બ્રિજને સમારકામની તાતી જરૂર હતી. ઓક્ટોબરમાં સેન્ટ્રલ રેલ્વેએ વિક્રોલી, ઠાકુરલી અને ડોમ્બિવલી ખાતે ફૂટ ઓવર બ્રિજ સમારકામ કરી જનતા માટે ખોલી પણ દીધાં છે. સેન્ટ્રલ રેલ્વેના પ્રવક્તાએ કહ્યુ કે, લોકડાઉનની તકનો લાભ લઈને અમે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સુધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આઈઆઈટી બોમ્બેના અહેવાલમાં પશ્ચિમ રેલ્વેના આવા 16 ફુટ ઓવર બ્રિજની ઓળખ કરવામાં આવી હતી, જેને તોડી પાડવાની ભલામણ કરવામાં આવી હતી કારણકે તે રાહદારીઓ માટે અસુરક્ષિત હતાં. તેમાંથી 13 તોડી પડાયા છે, બાકીના ત્રણ (દાદર, અંધેરી અને ગોરેગાંવ) ને તોડવાની કાર્યવાહી ચાલી રહી છે. જેનું કામ 31 ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ થઇ જશે એવો વિશ્વાસ રેલ્વે અધિકારીઓ એ વ્યક્ત કર્યો હતો..