ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 નવેમ્બર 2020
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થાની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે. પરંતુ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે રાહતના કોઇ અણસાર નથી દેખાઈ રહ્યા. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે ઘણા મહિના સુધી શૂટિંગ બંધ હોવાના કારણે ફિલ્મોની રિલીઝ ડેટ આગળ ટાળી દેવામાં આવી હતી. ઘણા મોટા પ્રોજેક્ટ બંધ થઈ ગયા હતા. ત્યારે હવે સિનેમાઘરોનું અસ્તિત્વ પણ સંકટમાં જોવા મળી રહ્યું છે. ઘણા રાજ્યોમાં સિનેમાઘરો ખોલ્યા બાદ પણ તે પ્રેક્ષકો માટે તરસી રહ્યા છે.
ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ(FICCI)ના રિપોર્ટ પ્રમાણે લૉકડાઉન દરમિયાન 12 ટકા સિનેમાઘરો હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કહેરને જોતા સિનેમાઘર હજુ સુધી નથી ખુલી શક્યા, એવામાં હવે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કેટલાક અન્ય સિનેમાઘરોમાં ફરીથી પ્રકાશ નહીં પડે.
તો બીજી તરફ સિનેમાઘર માલિકોની તકલીફ સ્ટૂડિયોઝે પણ વધારવાની શરૂ કરી દીધી છે. તેઓ ઘણી ફિલ્મો હવે ઓટીટી પર રિલીઝ કરી રહ્યા છે. સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ નફામાં જઈ રહ્યા છે અને સિનેમાઘર ઘુંટણીયે આવી ગયા છે.
નોંધનીય છે કે દેશમાં લગભગ 10 હજાર સિનેમાઘર છે. તેમાં સિંગલ સ્ક્રિન સિનેમાઘરોની હાલત લૉકડાઉન બાદથી વધારે ખરાબ થઈ ગઈ છે. સતત બંધ રહેવાના કારણે અહીં કામ કરતા કર્મચારીઓનો પગાર પણ નથી આપવામાં આવી રહ્યો. કોરોનાકાળમાં સાવધાની વરતી રહેલા લોકો સિનેમાઘરોમાં જવાથી ડરી રહ્યા છે. આવી સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા સહિત ઘણા મોટા દેશોમાં પણ છે.