ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને વટાવી ગયું, વૈશ્વિક મહામારી કોરોના સંકટને કારણે ખાડે પડેલી દેશની અર્થવ્યવસ્થા ધીમે ધીમે પાટા પર ચડી રહી છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન (જીએસટી કલેક્શન) થી લઈને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં જબરદસ્ત વધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) ને ઓટો વેચાણથી રોકાણના અદ્ભુત આંકડાઓથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.
ફેબ્રુઆરી પછી દેશમાં પહેલી વખત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના કલેક્શનનો આંકડો એક લાખ કરોડ પાર પહોંચી ગયો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારને ઓક્ટોબરમાં કુલ 1,05,155 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન મળ્યું છે. તેમા CGST 19,193 કરોડ રૂપિયા, SGST 25,411 કરોડ રૂપિયા IGST 52,540 કરોડ રૂપિયા થયું છે.
સરકારના જણાવ્યા મુજબ જીએસટી કલેક્શનમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ દસ ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2019માં જીએસટી કલેક્શન 95,379 કરોડ રૂપિયા હતુ. આ મહિનામાં આયાત થકી આવક 9% વધારે છે. ઘરેલું સ્તરે ટ્રાન્ઝેક્શનના આધારે જીએસટીની આવકમાં 11 ટકાનો વધારો થયો છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની તુલનામાં જીએસટીની આવકમાં વૃદ્ધિ ક્રમશ: -14%, -8% અને 5% રહી છે. આ આંકડા પરથી માની શકાય છે કે અર્થતંત્ર ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે.
નોંધનીય છે કે જીએસટીમાં આ વધારો એટલા માટે થયો છે કારણ કે સરકાર અનલોક પ્રક્રિયા હેઠળ ઘણી છૂટ આપી રહી છે. આને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પણ જોર પકડી રહી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય વેપાર પણ શરૂ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનના લીધે આઠ મહિના જેટલા સમયગાળા સુધી GST કલેક્શન એક લાખ કરોડની નીચે રહ્યું હતું. જો કે, આ તેજી કામચલાઉ પણ હોઈ શકે છે. નિષ્ણાંતો માને છે કે તહેવારોની સીઝનને કારણે બજારમાં સારી માંગ છે, જે આગામી સમયમાં સ્થિર થઈ શકે છે