માતૃભૂમિના સ્વાતંત્ર યજ્ઞમાં પોતાનું સમગ્ર જીવન હોમી દેનાર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. સરદાર વલ્લભભાઇ પટેલ એટલે હિન્દુસ્તાનના રાજનૈતિક અને સુશાસનના ઇતિહાસનું વિરાટ વ્યકિતત્વ. ભારતવાસીઓના હૃદયમાં સરદાર સાહેબ લોહપુરુષ તરીકે બિરાજમાન છે.
સરદાર પટેલનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. નડિયાદ શહેર નો દેસાઇ વગો વિસ્તાર એટલે સરદાર પટેલનું જન્મ સ્થળ. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. 1913માં ઇંગ્લેન્ડમાં તેઓએ વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો. સરદાર વલ્લભભાઇ પટેલનું મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતે કોઇ મહાન યોદ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો.
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે કેવડિયા સ્થિત તેમની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય રિઝર્વ સુરક્ષા દળ, સીમા સુરક્ષા દળ, ભારતીય-તિબ્બત સીમા પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાન શામેલ છે.