ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
29 ઓક્ટોબર 2020
સાઉથ ના સુપરસ્ટાર રજનીકાંતની રાજકારણમાં ઔપચારિક પ્રવેશની અટકળો વચ્ચે સુપરસ્ટારનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પત્ર સાથે અનેક અટકળો વહેતી થઈ હતી. જો કે આ અંગે ચર્ચા શરૂ થયા બાદ રજનીકાંતે સ્પષ્ટ કર્યું હતું કે પત્રમાં લખેલી બાબતો સાચી છે પરંતુ તેમણે આ પત્ર લખ્યો નથી. અભિનેતાએ કહ્યું કે, દરેક વ્યક્તિ જાણે છે કે આ મારું નિવેદન નહોતું. જો કે મારી તબિયતની સ્થિતિ અને ડોક્ટરો દ્વારા મને આપેલી સલાહ સંબંધિત માહિતી સાચી છે. "રજનીકાંતે કહ્યું હતું કે તેમની સંસ્થા 'મંદરમ' ના અધિકારીઓ સાથે પરામર્શ કરીને તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે અંગે યોગ્ય સમયે જાહેરાત કરશે.
પત્ર મુજબ, ડોકટરોએ વધુમાં વધુ સાવચેતી રાખવા જણાવ્યું છે. આ સિવાય તેમણે પત્રમાં ચાહકોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે, મને મારા લોકોની તબિયતની ચિંતા છે. મેં રાજકારણમાં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. મારે રાજકારણમાં એક્ટિવ થવું હતું. જો આ દરમિયાન મારું સ્વાસ્થ્ય લથડે છે તો રાજકીય પ્રક્રિયામાં નવા પડકારનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 2016માં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી.
પત્રમાં આગળ લખેલું હતું કે, 'જો મારે આનો ફાયદો ઉઠાવવો છે તો મારે 15 જાન્યુઆરી પહેલાં પાર્ટી લૉન્ચ કરવી પડશે અને ડિસેમ્બરમાં નિર્ણય કરવો પડશે. હું મારા ચાહકો તથા જનતા પર આ વાત છોડું છું કે તે સમયની પરિસ્થિતિઓને આધારે નક્કી કરે કે મારે શું કરવું જોઈએ? જનતાનો નિર્ણય, ભગવાનનો નિર્ણય. જય હિંદ.'