ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 ઓક્ટોબર 2020
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર આગામી 30 દિવસમાં આતંકવાદીઓ મુંબઈમાં મોટો હુમલો કરી શકે છે. મુંબઈ પોલીસે પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. હુમલો થવાની સંભાવના બાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી 30 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી રહેશે. પોલીસે સમગ્ર શહેરમાં કલમ 144 લગાવી દીધી છે અને ટોળા પર પ્રતિબંધ મુક્યો છે. આ હુકમના ભંગ કરનાર સામે આઈપીસી 1860 ની કલમ 188 હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તહેવારો દરમિયાન રિમોટ કંટ્રોલથી ચાલતા એરક્રાફ્ટ કે એર મિસાઈલ વડે ભીડ હોય તેવી જગ્યાએ હુમલો થઈ શકે છે. રક્ષા નિષ્ણાંતો પણ માને છે કે વર્તમાન સમયમાં પાકિસ્તાન અને આતંકી સંગઠન માત્ર રાજનીતિક અસ્થિરતા અને તહેવારોમાં ખલેલ ઊભી કરવા માટે મોટી ઘટનાને અંજામ આપી શકે છે. નોંધનીય છે કે ગત સપ્તાહે ઈનપૂટ મળ્યા હતા કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ભારતમાં હુમલો કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અલ બદ્રને આપી છે.
