ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 ઓક્ટોબર 2020
યુકેની એક અદાલતે સાતમી વખત ભાગેડુ ભારતીય હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી છે. નીરવ મોદી પર ભારતમાં પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડથી વધુની છેતરપિડી અને મની લોન્ડરિંગનો આરોપ છે, સાથે તેને ભાગેડુ જાહેર કરાયો છે. તેણે તેના પ્રત્યાર્પણના ઓર્ડર સામે બ્રિટનની કોર્ટમાં પડકાર અરજી કરી હતી.
નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં યુકેની કોર્ટે પ્રત્યાર્પણ કેસની સુનાવણી 3 નવેમ્બર સુધી લંબાવી હતી. ગયા મહિને મોદીની કાનૂની સલાહકારે યુકેની એક કોર્ટને કહ્યું હતું કે, નીરવ મોદીના કેસના રાજકીયકરણના કારણે ભારતમાં આ કેસ નિષ્પક્ષ સુનાવણી થવાની સંભાવના નથી અને ભારતીય જેલોમાં પૂરતી તબીબી સુવિધાઓના અભાવના છે અને તેઓ આત્મહત્યાના જોખમનો સામનો કરી શકે છે.
આપને જણાવી દઈએ કે, લંડન પોલીસે 19 માર્ચે નીરવ મોદીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તે લંડનની જેલમાં બંધ છે. આ કેસ ભારતની બે તપાસ એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) અને વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર આરોપ છે કે ભારતીય બેંકની બનાવટી સંમતિ બતાવીને મોદીએ બેંકો પાસેથી લોન લીધી હતી અને પૈસાની હેરાફેરી કરી હતી.