ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
ચીન તરફથી આવતાં પવનમાં પીળા રંગની ધૂળ ઉડીને નોર્થ કોરિયાના આકાશ માં છવાઈ ગઈ છે. આથી પોતાના દેશવાસીઓને ઘરની બારી સુદ્ધાં ખોલવા પર પ્રતિબંધ લાદ્યો હતો. ગુરૂવારે પ્યોંગયાંગમાં લોકો રેનકોટ પહેરીને બહાર ફરતા જોવા મળ્યા હતા. વરસાદ નહોતો તો પણ લોકો રેનકોટ કેમ પહેરીને ફરતાં હશે એવા સવાલના જવાબમાં જાણવા મળ્યું હતું કે ચીન તરફથી પીળા રંગની ધૂળ આવી રહી હતી જે ચેપી રોગવાહક હોઇ શકે છે. આથી ગુરૂવારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ હતી. સડકો પર ચકલુંય ફરકતું દેખાતું નહોતું. આમ કોઈથી ન ડરનાર નોર્થ કોરિયા ચીની વાયરસથી ડરી ગયું છે. એનો દાવો છે કે અમારે ત્યાં કોરોનાનો એક પણ કેસ થયો નથી.
પ્યોંગયાંગમાં રશિયન રાજદૂતાવાસે ફેસબુક પર એવો સંદેશો મૂક્યો હતો કે નોર્થ કોરિયન સરકારે તમામ રાજદૂવાતાસોને પણ એવી સલાહ આપી હતી કે તમે બહાર નીકળતા નહીં અને આખો દિવસ મકાનની બારીઓ બંધ રાખજો. નોર્થ કોરિયન ન્યૂઝ એજન્સીએ પણ આ સમાચારને સમર્થન આપ્યું હતું. એજન્સીના જણાવ્યા મુજબ ગુરૂવારે પ્યોંગયાંગની સડકો વેરાન અને સૂમસામ હતી. જે થોડાક લોકો અનિવાર્ય કારણસર બહાર નીકળ્યા એ બધાએ વરસાદ નહીં હોવા છતાં રેનકોટ પહેર્યા હતાં. કારણકે ચીનાથી પીળા કલરની ધૂળ આવી રહી હતી જે ઉત્તર કોરીયા માટે હાનિકારક જણાતી હતી.