ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
ચીનને દુઃખે છે પેટ અને ફૂટે છે માથું. આખરે 6 મહિના બાદ ચીનથી સાચું કારણ બોલાઈ ગયું. ભારત ચીનથી અડીને આવેલી સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહ્યું છે અને સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે તે જ તણાવનું મુખ્ય કારણ છે. ચીન લદાખ નજીકની વિવાદાસ્પદ સરહદ પર ભારતના સૈન્ય ઉપકરણોને વધારવાનો વિરોધ કરે છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, “અમે ભારતીય પક્ષને અપીલ કરીએ છીએ કે પરસ્પર બનેલી સહમતિ પર અમલ કરે અને એવા પગલા ઉઠાવવાથી બચે જેનાથી સ્થિતિ વધારે તણાવપૂર્ણ થાય. ભારતના લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં સેના માટે બનાવવામાં આવી રહેલા પુલોને લઇને ચીન નારાજ છે. કારણકે આ પુલોની મદદથી ચીનની સાથે અડીને આવેલા દરિયાઈ વિસ્તારો સુધી ભારતીય સેનાની પહોંચ આસાન થઈ જશે.
હાલમાં જ વડાપ્રધાન મોદીએ હિમાચલના રોહતાંગમાં દુનિયાની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતુ કે 'આ સુરંગ દેશના બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી તાકાત બનશે. પીએમ મોદીએ ચીનને ઇશારા-ઇશારામાં સંદેશ આપતા કહ્યું કે, બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનેક પરિયોજનાઓ પૂર્ણ થઈ ચુકી છે અને અનેક પર ઝડપી કામ ચાલી રહ્યું છે.'
ચીની વિદેશ મંત્રાલયે અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખનો પણ પોતાના ઉલ્લેખ કર્યો. ઝાઓએ કહ્યું કે, ચીન ભારતના ગેરકાયદેસર બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશને ગેરકાયદે માને છે અને એને માન્યતા આપતું નથી. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે. ચીને જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવા અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાને લઇને પણ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો.