ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
તાજેતરમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કિસ્સામાં, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)એ ફોરેન્સિક તપાસ રિપોર્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપી હતી. જેમાં જણાવાયું હતું કે સુશાંતના મોતનું કારણ આપઘાત હતું. આ બધાની વચ્ચે, મુંબઈ પોલીસને એવી માહિતી મળી છે કે સુશાંતના મોત અંગે નકલી સમાચારો ફેલાવવા માટે 80 હજારથી વધુ બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા હતા.
આ અંગે મુંબઈ પોલીસ કમિશનરએ જણાવ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી, આવા લગભગ 80 હજારથી વધુ અલગ અલગ જગ્યાએ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા હતા, જેથી ચાલી રહેલી મુંબઈ પોલીસની તપાસ અને મહારાષ્ટ્ર સરકારને બદનામ કરી શકાય. સાથે મુંબઈ પોલીસ કમિશનરે સાયબર સેલને આદેશ આપ્યા છે કે, તે આવા કેસ આઈટી એક્ટ હેઠળ દાખલ કરી તેની તપાસ કરે.
મુંબઇ પોલીસનાં સાયબર સેલ યુનિટે એક અહેવાલ આપ્યો છે, જેમા જાણવા મળ્યું છે કે પોસ્ટ્સ સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ પર દુનિયાનાં અલગ-અલગ દેશો જેમ કે ઇટલી, જાપાન, પોલેન્ડ, સ્લોવેનિયા, ઇન્ડોનેશિયા, તુર્કી, થાઇલેન્ડ, રોમાનિયા અને ફ્રાંસથી પોસ્ટ કરવામાં આવેલ છે. વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે- 'અમે વિદેશી ભાષામાં પોસ્ટ્સ ઓળખી કાઢી છે કારણ કે તેમાં #justiceforsushant #sushantsinghrajput અને #SSR નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે વધુ ખાતાને વેરિફાઈ કરવાની પ્રક્રિયામાં છીએ.’
મુંબઈ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, "આ અભિયાન અમારા મનોબળને તોડવા માટે ચલાવવામાં આવ્યું હતું, ત્યારે કોરોના વાયરસને કારણે 84 પોલીસ જવાનોની મોત થઇ ગઇ હતી અને 6 હજારથી વધુ જવાન કોરોના સંક્રમિત હતા. તે જાણી જોઈને ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન મુંબઈ પોલીસની છબી અને તપાસ બંનેને બગાડવા માટે હતુ.સોશિયલ મીડિયા પર ઘણાં બનાવટી એકાઉન્ટ બનાવવામાં આવ્યાં હતાં જેમાં મુંબઈ પોલીસ માટે અસભ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતે અમારું સાયબર સેલ વિગતવાર તપાસ કરી રહ્યું છે. જે પણ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થશે તેના પર આઈટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.’’