ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
મહારાષ્ટ્ર સરકારે પાંચમી ઑક્ટોબરથી હોટેલ, રેસ્ટોરાં અને ફૂડ-કોર્ટ ખોલવાની પરવાનગી તો આપી દીધી, પણ હોટેલિયરો સરકારે તૈયાર કરેલી ગાઇડલાઇન્સ સાથે રેસ્ટોરાં ખોલી શકાશે કે નહીં એના પર શંકા છે.. હોટેલિયરો કહે છે કે 7 મહિના પછી રેસ્ટોરાં ખોલવાની પરવાનગી આપી, પણ મુંબઈમાં 90 ટકા રેસ્ટોરાં સાંકડી કે નાની જગ્યામાં ચાલી રહી છે. . આથી પાંચમી ઑક્ટોબરથી મુંબઈમાં 50 ટકાથી પણ વધુ રેસ્ટોરાં ખૂલશે કે નહીં એ જ મોટો સવાલ છે.
મુંબઈના 8000 થી વધુ મેમ્બર્સ ધરાવતા આહાર સંગઠનના વાઇસ પ્રેસિડન્ટએ કહ્યું કે ‘અમે ઘણા સમયથી મહારાષ્ટ્ર સરકાર પાસે રેસ્ટોરાં અને હોટેલો શરૂ કરવા માટે આર્થિક પૅકેજની માગણી કરી હતી. ત્યાર પછી મહાનગરપાલિકા, લાઇસન્સ ડિપાર્ટમેન્ટ અને ફૂડ્સ ડિપાર્ટમેન્ટ પાસે પણ અનેક રાહતોની માગણી કરી છે. આ સિવાય પ્રૉપર્ટી ટૅક્સ, વૅટ, ઇલેક્ટ્રિક બિલમાં રાહત જેવી અમારી અનેક માગણીઓ સરકાર સામે મૂકી છે, પણ અત્યાર સુધી એક પણ માગણી સામે અમને સરકાર પાસેથી સકારાત્મક રિસ્પૉન્સ મળ્યો નથી.
કેટલાક હોટેલિયરો ને તો હોટેલો શરૂ થયા પછી કોવિડ ફાટી નીકળવાનો ભય લાગી રહ્યો છે. એમનું માનવું છે કે આપણે ત્યાં વસ્તી વધુ હોવાથી ગાઇડલાઇન્સનો અમલ કર્યા પછી પણ કોવિડનો જબરદસ્ત ફેલાવો થઈ શકે છે. માસ્ક અને જગ્યાના અભાવે ફિઝિકલ ડિસ્ટન્સિંગમાં બહુ મોટી સમસ્યા છે.. બીજું મુંબઈમાં મોટા ભાગની હોટેલો ભાડા પર ચાલી રહી છે, જેના માલિકોને અને હોટેલિયરને અત્યારના સંજોગોમાં આવક-ખર્ચનો મેળ બેસાડવાનું ખૂબ મુશ્કેલભર્યું છે. બીજું, સ્ટાફના માણસો લૉકડાઉનને લીધે દેશમાં જતા રહ્યા છે. હોટેલિયર પાસે સ્ટાફ જ નહીં હોય તો હોટેલ કે રેસ્ટોરાં ચલાવવી કઈ રીતે?
