ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલાં ભારત ડાયમન્ડ બુર્સમાં સેંકડો નાના વેપારીઓ અને બ્રોકરોએ તકલીફો થી પરેશાન થઈને કેમ્પસમાં જ વિરોધ-પ્રદર્શન કર્યું હતું . આ સમયે સિક્યુરીટી સાથે બોલાચાલી થતા પરિસ્થિતિ વધુ સ્ફોટક બની હતી. આ નાના વેપારીઓ અને બ્રોકરોની ફરિયાદ છે કે તેમને કૅમ્પસમાં ઊભા રહી બિઝનેસ કરવા દેવાતા નથી. તેમનું કહેવું છે કે 'મોટા વેપારીઓ તો પોતાની ઑફિસમાં ધંધો કરી લે છે, પણ નાના વેપારીઓ અને દલાલોએ ક્યાં જવું?' તેઓ કોરોનાના આ કપરા કાળમાં અનેક મુશ્કેલીઓ વેઠીને બુર્સ સુધી આવે છે, પણ કૅમ્પસમાં ઊભા રહેવાની મનાઈ હોવાથી ધંધો કઈ રીતે કરવો? એ સમજાતુ નથી. અધૂરામાં પૂરું, જો કેમ્પમાં ઊભા રહીને વાત કરે તો સિક્યૉરિટીવાળા આવીને એન્ટ્રી-કાર્ડ પણ લઈ લે છે. આવું કેવી રીતે ચાલશે.?' એવો રોષ નાના વેપારીઓએ વ્યક્ત કર્યો હતો.
આ બાબતે પ્રબંધક નું કહેવું છે કે કોરોનાને કારણે બીડીબી દ્વારા હાલમાં બહુ જ રિસ્ટ્રિક્શન મૂકાયા છે. જેથી નાના વેપારીઓ, જેમની પોતાની ઑફિસ નથી, પરંતુ, વર્ષોથી ઊભા રહીને જ ધંધો કરતા આવ્યા છે, તેમની હાલત કફોડી થઈ છે. આમ જોવા જાઓ તો આ નાના વેપારીઓ જ આ ધંધાના મૂળમાં છે. બીજું, બીડીબીનો કૅમ્પસ બહુ મોટો હોવાથી પહેલા ઠેર-ઠેર બાંકડા રાખ્યા હતા, પરંતુ હાલ એના પર પણ રિબિન બાંધીને ત્યાં બેસવાની મનાઈ ફરમાવાઈ છે.. આમ નાના વેપારીઓ અને બ્રોકરો કૅમ્પસમાં ઊભા પણ નથી રહી શકતા કે બાંકડે બેસીને ધંધો પણ નથી કરી શકતાં. આથી આ નાના વેપારીઓ રોષે ભયારા હતાં.
