ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 સપ્ટેમ્બર 2020
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળ અવસાનની સીબીઆઇ દ્વારા થઇ રહેલી તપાસમાં બોલિવૂડનું ડ્રગ કનેક્શન બહાર આવ્યું હતું અને હવે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો ટોચની અભિનેત્રીઓ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીતસિંહને પણ સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવશે એવી જાણકારી મળી રહી છે. જો કે એનસીબી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડે આ ચારેય અભિનેત્રીઓનું નામ લીધું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીતસિંહનું નામ લીધું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એનસીબીએ મુંબઇ સ્થિત એક ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી અને હવે તેની સાથે ગેંગની શોધ કરવામાં આવી રહી છે. હવે એનસીબી આ કેસમાં મોટી હસ્તીઓને નોટિસ મોકલીને તેમની પૂછપરછ કરશે. નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ મામલો સામે આવ્યા બાદથી જ એનસીબી ઝડપથી આ મામલાની તપાસ કરી રહી છે. ડ્રગ્સના બોલિવૂડ કનેક્શનની તપાસ પણ ઝડપી ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે કઈ કઈ નવી વાતો અને નામો સામે આવે છે.
