ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
કેન્દ્રીય મોદી સરકાર હવે અનાજ-કઠોળ, તેલીબિયાં – ખાદ્યતેલ, ડુંગળી-બટાકા જેવી જીવન જરૂરિયાત ચીજોને આવશ્યક ચીજ વસ્તુઓની યાદીમાં દૂર કરવા જઇ રહી છે અને તે માટેનો ઇનિશ્યિલ કોમોડિટી એમેન્ડમેન્ટ એક્ટ-2020નો પ્રસ્તાવ મંગળવારે સંસદના નીચલા ગૃહમાંથી પસાર થઇ ગયો છે. અલબત વિપક્ષ સહિત એનડીએમાં શામેલ શિરોમણિ અકાલી દળે આ ઠરાવનો વિરોધ કર્યો છે.
અકાલીદળે કેન્દ્ર સરકારને આ ઠરાવ અને તેના અધ્યાદેશ પરત ખેંચવાની માંગણી કરી છે. ચર્ચામાં ભાગ લેતા શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખવીર સિંહ બાદલે કહ્યુ કે, આ ઠરાવમાં ખેડૂતો અને ખેતીવાડી સંબંધિત બે અન્ય પ્રસ્તાવિત એક્ટનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રને આ પ્રસ્તાવને પરત ખેંચવો જોઇએ અને ખેડૂતોની ચિંતા દૂર કરવાની કોશિશ કરવી જોઇએ. કોંગ્રેસના અમરસિંહે આ પ્રસ્તાવને ખેડૂતો વિરોધી અને ગરીબ વિરોધ કહ્યો છે. તો તૃણમૂલ કોંગ્રેસના સૌગત રાય અને કલ્યાણ બનર્જીએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો અને કેન્દ્ર સરકાર ઉપર રાજ્યની સત્તા છિનવી લેવાનો આરોપ મૂક્યો છે.
કેન્દ્રીય મંત્રીમંડળે 3 જૂન 2020ના રોજ 65 વર્ષ જૂના આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધન કરવાની મંજૂરી આપી હતી. ઇનિશિયલ કોમોડિટી એક્ટને 1955માં બનાવવામાં આવ્યો હતો. જે હેઠળ ખાદ્યતેલો-તેલીબિયાં, કઠોળ-દાળ, અનાજ, ડુંગળી-બટાકા જેવી કૃષિ પેદાશો પરની સ્ટોક લિમિટ નાબૂદ કરી દેવામાં આવી છે. જો રાષ્ટ્રીય આફત, દૂષ્કાળ, જેવી વિકટ પરિસ્થિતિ સર્જાશે તો તેમની ઉપર સ્ટોક લિમિટ લાદવામાં આવશે. આ બિલ અંગે કેન્દ્ર સરકારે તરફેણ કરતા કહ્યુ કે, તેનાથી ખાનગી રોકાણકારોને વધારે પડતા નિયમોના હસ્તક્ષેપોમાંથી છુટકારો મળશે. ખેડૂતો પોતાનો માલ ખુલ્લાં બજારોમાં કોઈને પણ વેચી શકશે. તેમજ સરકારની આર્થિક નિતિઓનો મહત્તમ લાભ મેળવી શકશે.
