ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
આખી દુનિયા એમ જ સમજી રહી છે કે, ભારત અને ચીનનો સરહદી વિવાદ ચાલુ છે અને તેને આપણું લશ્કર પહોંચી વળીને બધુ સંભાળી લેશે અને પછી સ્થિતિ યથાવત થઈ જશે તો તે સૌથી મોટી ભૂલ કરે છે. હાલમાં થયેલાં નવા ખુલાસા મુજબ ડ્રેગન ભારતમાં લગભગ દસ હજારથી વધારે વ્યક્તિઓ, સંગઠનો પર ચાંપતી નજર રાખી રહ્યુ છે. તેમા દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વિપક્ષના નેતા, સાંસદો, દરેક રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે ઉદ્યોગપતિઓ તથા જાણીતી સેલીબ્રિટીઓ, પત્રકાર પર પણ ચાંપતી નજર રાખી રહ્યુ છે.
ચીનની ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીનો ઝેનહુઆનો ચીનની સરકાર અને સામ્યવાદી પક્ષ સાથે ગાઢ સંબંધ છે. ચીન તેને હાઇબ્રિડ વોરફેરનું નામ આપે છે. ચીનની કંપની ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના વડા સોનિયા ગાંધી અને તેમના કુટુંબ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પંજાબના સીએમ અમરિન્દર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઓડિશાના સીએમ નવીન પટનાયક, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ જેવા લોકો પર નજર રાખી રહી છે. રાજનેતાઓના સંબંધીઓ પર પણ ચીની કંપનીની નજર રહી છે. સીડીએસ બિપિન રાવત અને લશ્કર, નૌકાદળ અને હવાઈદળના ઓછામાં ઓછા 15 ભૂતપૂર્વ વડાઓ પર તેની નજર છે.
આ સિવાય ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે અને ન્યાયાધીશ એએમ ખાનવિલકર, લોકપાલ જસ્ટિસ પી સી ઘોષ અને કેગ જીસી મુર્મૂ પર પણ આ ચીની કંપની નજર રાખી રહી છે. ભારતના કેટલા ઉદ્યોગપતિઓ જેવા કે ભારત પેના સ્થાપક નિપુણ મેહરા, ઓટોબ્રિજના અજય ત્રેહનથી લઈને ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાથી ગૌતમ અદાણી સુધી પર નજર રાખે છે. 250 જેટલા સરકારી અધિકારીઓ પર પણ ચીનની નજર રહેલી છે.
ચીનની આ જાસૂસી ફક્ત રાજકીય નેતાઓ પૂરતી સીમિત ન રહેતા દરેક ક્ષેત્રના ટોચના લોકો સુધી ફેલાયેલી છે. તેમા અમલદારો, જજ, વૈજ્ઞાનિક, શિક્ષાવિદ, પત્રકાર, કલાકાર અને રમત સાથે જોડાયેલી હસ્તીઓ સામેલ છે. આ સિવાય ધાર્મિક નેતાઓ અને કાર્યકરો પર પણ ડ્રેગનની નજર છે. આટલું જ નહી ચીન તેવા લોકો પર પણ નજર રાખે છે જેના પર ભ્રષ્ટાચાર, ક્રાઇમ, આતંકવાદ અને દાણચોરી જેવા આરોપ છે.