ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
એક કહેવત છે કે 'વાડ જ ચીભડા ગળી જાય તો ફરિયાદ કોને કરવી.' એવા જ કઈ હાલ છે મુંબઈની મહાનગર પાલિકાના. મનપા પોતેજ બનાવેલા નિયમોનું પાલન નથી કરતી પણ જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉત અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ 24 કલાક પહેલાં જ કંગનાની ઓફિસ તોડવા પહોંચી ગયા હતા.
આજે વાત કરવી છે અંધેરીમાં આવેલી કે વેસ્ટ વોર્ડની.. અહીંની ઓફિસમાં ઠેકઠેકાણે અવૈધ બાંધકામ થયેલું નજરે ચડ્યું છે. કે. વેસ્ટ વોર્ડ એટલે અંધેરી-વિલેપાર્લે-જોગેશ્વરી વિસ્તારનો સમાવેશ કરતું વોર્ડ. આ વિસ્તારમાં ઘણા ફિલ્મ સ્ટારો અને બિઝનેસમેનોના ઘરો આવેલા છે.
મનપાની કે વેસ્ટ વૉર્ડમાં આવેલી બિલ્ડિંગની અંદર ગ્રાઉન્ડ ફ્લોરનો જે હિસ્સો છે તે જ અવૈધ છે. બિલ્ડીંગના પાંચમાં માળ પર ટુ બીએચકે ફ્લેટ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ફ્લેટને ફેરફાર કરી, તોડફોડ કરી ત્યાં ઓફિસ બનાવી દેવાઈ છે. અંધેરી કે વોર્ડની બીએમસીની ઓફિસના છઠ્ઠા માળે પણ મ્યુનિસિપલ કમિશનરના રહેવા માટે ફ્લેટ રિઝર્વ રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ 'બિલ્ડિંગ અને ફેક્ટરી' ડિપાર્ટમેન્ટની ઓફિસો બનાવી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને લઈ અનેક ફરિયાદો પણ ઉઠી હતી. પરંતુ, આ બાંધકામ હજી પણ જેમનું તેમ જોવા મળે છે.
કે વેસ્ટના બીએમસીના કાર્યાલયમાં આટલું બધું ગેરકાયદેસર કામ છે તેની માહિતી બીએમસીએ સ્વયં એક સમાજસેવક ની આરટીઆઇમાં આપી હોવાથી જાણવા મળી છે.