ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન મોરેટોરિયમ યોજના હેઠળ બેન્કો દ્વારા મુલતવી થયેલ EMI પેમેન્ટ પર "પેનલ્ટી" વ્યાજ વસૂલવાના મુદ્દે અરજીઓ પર સુનાવણી કરી હતી.જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અરજીઓની સુનાવણી 28 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે, જે દરમિયાન તેણે કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ને નક્કર નિર્ણય સાથે આવવા કહ્યું છે. આ સાથે કોર્ટે વચગાળાનો આદેશ આપતા 31 ઓગસ્ટ સુધી જે લોન એકાઉન્ટ એનપીએ ના હોય તેવા લોન ડિફોલ્ટર્સને એનપીએ જાહેર નહીં કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પક્ષકારોને જવાબ રજૂ કરવા બે સપ્તાહનો સમય આપ્યો છે.
કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવતા કહ્યું હતું કે, લોકોની ચિંતા છોડીને તમે માત્ર બિઝનેસ વિશે ન વિચારી શકો. સરકાર RBIના નિર્ણયોને સહારો લઇ રહી છે, જ્યારે તેમની પાસે નિર્ણય લેવાનો અધિકાર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સરકાર બેંકોને વ્યાજ પર વ્યાજ વસૂલવા પર રોકી શકે છે. સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે, બેંક હજારો કરોડો રૂપિયા NPAમાં નાખી દે છે, પણ થોડા મહિના માટે ટાળવામાં આવેલી EMI પર વ્યાજ વસૂલ કરવા માગે છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે, આ મામલે ઉચ્ચ સ્તરે વિચારણા થઈ રહી છે. રાહત માટે બેન્કો તેમજ અન્ય હિસ્સેદારોના હિતમાં ચર્ચા માટે બે-ત્રણ બેઠક યોજાઈ છે. કેન્દ્ર સરકારે બે સપ્તાહનો સમય માંગ્યો હતો જેને પગલે કોર્ટે સવાલ કર્યો હતો કે બે અઠવાડિયામાં શું થવાનું છે? તમારે વિવિધ ક્ષેત્રો માટે કંઈક નક્કર કરવું પડશે. આ કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહની ત્રણ જજોની ખંડપીઠે કરી હતી.
