ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 સપ્ટેમ્બર 2020
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે એક્ટ્રેસની મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીની ટીમે દરોડા પાડ્યા હતા ત્યારે હવે, કંગનાને બીએમસી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. બીએમસી અનુસાર કંગના રનૌતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. બીએમસીએ કંગનાની ઓફિસ પર આ નોટિસ ચોંટાડી દીધી છે. બીએમસીનું માનવું છે કે, કંગનાની ઓફિસમાં એક અલગ પાર્ટીશન છે. બાલ્કની વિસ્તારનો ઉપયોગ રૂમ તરીકે કરવામાં આવ્યો છે અને ઓફિસ બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
તેને કહેવામાં આવ્યું છે કે તેણે આગામી 24 કલાકની અંદર કંગનાએ પોતાની ઓફિસના કન્સટ્રક્શન અને રિનોવેશન સંબંધિત તમામ ડોક્યૂમેન્ટ બીએમસી ઓફિસમાં જમા કરાવવાના રહેશે. આ સિવાય કંગનાને ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો તે દસ્તાવેજો જમા કરવામાં નિષ્ફળ જાય છે તો તેની સામે કલમ 354 A હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓફિસની અંદર વપરાતી મશીનો અને અન્ય વસ્તુઓ પણ દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી શિવસેના અને કંગના રાનાઉત વચ્ચે મૌખિક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે બીએમસીએ પણ કંગના પર શિકંજો કસ્યો છે.