ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
ભારતીય ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગત 15 ઓગસ્ટના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત થવાની ઘોષણા કરી હતી. ધોનીના આ એલાન બાદ દેશ સહિત વિશ્વભરની હસ્તીઓએ ધોનીના કેરિયરના વખાણ કર્યા હતા. આજે વડાપ્રધાન પીએમ મોદીએ પણ ધોનીનાં સંન્યાસને લઈ એક પત્ર લખ્યો હતો. આ બાદ ધોનીએ ટ્વીટ કરીને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. એમએસ ધોનીએ PM નો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, "એક કલાકાર, સૈનિક અને ખેલાડી એ જ ઈચ્છે છે કે તેમને પ્રોત્સાહન મળે અને તેમની મહેનત અને બલિદાનને યાદ રાખવામાં આવે. પ્રશંસા અને શુભેચ્છાઓ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર."
પીએમ મોદીએ પત્રમાં લખ્યું હતું કે, ‘તમે તમારી વિશેષ શૈલીમાં શેર કરેલો વીડિયો આખા દેશ માટે ચર્ચાનો વિષય બની ગયો છે. મુશ્કેલ પરિસ્થિતિઓથી ટીમને બહાર કાઢવી એ તમારી ખૂબી રહી છે. મેચ પૂરી કરવાની તમારી શૈલી પણ અદભૂત રહી છે. તમારામાં નવા ભારતની આત્મા ઝળકે છે. તમે ખુદ એક નવી ઊંચાઈ હાંસલ કરીને અનેક યુવાનોના પ્રેરણાસ્ત્રોત બન્યા છો.
પત્રમાં આગળ તેમણે લખ્યું કે તમારી નિવૃત્તિ વખતે 130 કરોડ ભારતીયો નિરાશ જરૂર થયા હતા પરંતુ ભારતીય ક્રિકેટ માટે તમે જે કર્યું છે તેના માટે સદાય આભારી રહેશો. 2011ના વર્લ્ડ કપની ફાઇનલ લોકોને હંમેશા યાદ રહેશે. મહેન્દ્રસિંહ ધોનીનું નામ માત્ર કરિયર સ્ટેટેસ્ટિક્સ કે કોઈ મેચ વિનિંગ ઇનિંગ્સ માટે જ યાદ રાખવામાં નહિ આવે. તમને માત્ર એક ખેલાડી તરીકે જોવા અન્યાય સમાન ગણાશે. ક્રિકેટના ઈતિહાસમાં તમારું નામ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં, સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં અને નિઃસંદેહ સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સમાં લેવામાં આવશે..
નોંધનીય છે કે 39 વર્ષીય ધોનીએ વર્ષ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ 350 વનડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ જ ભારતે 2007માં પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી 2011માં 50 ઓવરનો વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2010 અને 2016 એશિયા કપ પણ ભારતે જીત્યો હતો.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com