ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
ટ્વિટરે ચીનની સામ્યવાદી સરકારનું ઝનૂની સમર્થન કરી રહેલાં લગભગ 1.70 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ગુરુવારે એક નિવેદનમાં જાણકારી આપી હતી.
હોંગકોંગમાં ચીન વિરોધી દેખાવો થઈ રહ્યા છે. આ ઉપરાંત કોવિડ-19 અંગે ચીનના વલણની દુનિયાના ઘણા દેશોમાં ટિકા થઈ રહી છે. પરંતુ ટ્વિટર પર લાખો એકાઉન્ટ્સ ચીનની નીતિનું આંધળું સમર્થન કરી રહ્યા હતા, એટલું જ નહિ, વિખવાદ પેદા કરી રહ્યાં હતાં.
ગત દિવસોમાં ચીને અહીંયા નવો કાયદો લાગુ કર્યો છે. દુનિયાભરમાં તેની ટિકા થઈ હતી. પરંતુ ટ્વીટર પર ઘણા એકાઉન્ટ્સ એવા હતા જેમણે ચીનના પગલાને યોગ્ય ગણાવ્યા હતા.
ટ્વિટરે એક નિવેદનમાં ચીનના સમર્થન માટે ચલાવાતા આવા એકાઉન્ટ્સ પર કડક વલણ દર્શાવ્યું છે. સત્તાવાર રીતે ચીનમાં ટ્વિટર બ્લોક કરાયેલ છે. પરંતુ VPN નેટવર્ક વાટે ઘણા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે. ટ્વિટરે આવા 1 લાખ 70 હજાર એકાઉન્ટ્સ બંધ કરતાં પહેલાં ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં થયેલા રિસર્ચને પણ ધ્યાનમાં લીધા હતા. ચીન સિવાય રશિયાના એક હજાર અને તુર્કી સાથે જોડાયેલા 7340 એકાઉન્ટ્સને પણ ટ્વીટરે બંધ કરી દીધા છે.
ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું કે, સરકારની નીતિઓનું ઝનૂની સમર્થન કરનારાઓને ટ્વિટર પર સ્થાન નથી…..