ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
5 જુન 2020
બિહારના સીતામઢી નજીક આવેલા નેપાળની સરહદે પિલર્સ ગાયબ થવા લાગ્યા છે. નો મેન્સ લૅન્ડ જાહેર કરવામાં આવેલી ભૂમિમાંથી 50 પિલર્સ ઉખેડી કાઢવામાં આવ્યા છે, જ્યારે સો જેટલા પિલર્સને નુકસાન પહોંચાડ્યું હોવાનું નોંધાયુ છે.
બંને દેશોના કરાર મુજબ જે વિસ્તારમાં નાગરિકોને રહેવાની છુટ નથી તેને નો મેન્સ લેન્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં હવે નેપાળે પગ મૂકવા શરૂ કર્યા છે. ભારતની ભૂમિ પચાવી પાડવા નેપાળે ત્યાં રોપાયેલા થાંભલા ગાયબ કરવા માંડ્યા છે.
સૌ કોઈ જાણે છે એમ બિહારના પાંચેક વિસ્તારો નેપાળની સીમાને અડીને આવ્યા છે. અહીં વર્ષોથી કોઈ કાંટાળી વાડ ઊભી કરવાની જરૂર પડી નહોતી, નાગરિકો વર્ષોથી સ્વયં નિયમનું પાલન કરતા હતા અને એક બીજાની સરહદ ઓળંગતા ન હતા. પરંતુ ચીનના ઇશારે નેપાળે ભારતના વિસ્તારો પોતાના ગણાવી નવો નકશો જાહેર કર્યો છે અને હવે બિહાર નજીક આવેલી સરહદે પણ ભેદી હિલચાલ નજરે પડી રહી છે. મીડિયા અહેવાલો ની વાત માનીએ તો નો મેન્સ લેન્ડમાં નેપાળના સશસ્ત્ર દળના જવાનોએ ભારતના પિલર્સ હટાવી ને ત્યાં ગેરકાયદે ચોકી ઉભી કરી દીધી છે. આમ નેપાળ ચીનની ચડામણીમાં આવીને ભારત સાથે ચાલાકી કરવા જઈ રહ્યું છે..