ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 મે 2020
ટેલિવિઝન દુનિયાનો બહુ ચર્ચિત અને સોની ટીવી ચેનલ પર પ્રસારિત થતો રિયાલિટી શો કેબીસી એટલે કે કોન બનેગા કરોડપતિ કવીઝ શો ફરી એક વાર ચર્ચા માં છે. મોટા પ્રમાણમાં પૈસા જીત્યા પછી શોની હોટ સીટ પર આવનારા કેટલાક સ્પર્ધકો પ્રખ્યાત પણ થઈ જાય છે. આ શોનો એક સ્પર્ધક હવે ઘણી બધી હેડલાઇન્સમાં આવ્યો છે. આ સ્પર્ધકે 14 વર્ષ વયે આ શોમાં ભાગ લીધો હતો અને તમામ પ્રશ્નોના જવાબ આપી કરોડપતિ બન્યો હતો. હવે લગભગ બે દાયકા પછી, આ સ્પર્ધક ફરી એકવાર તેની સફળતાની વાર્તા સાથે ચર્ચામાં છે. 2001 માં, કેબીસીની વિશેષ સિઝન કેબીસી જુનિયરમાં આવી, જેમાં 14 વર્ષના બાળક રવિ મોહન સૈનીએ તમામ 15 પ્રશ્નોના યોગ્ય જવાબ આપીને એક કરોડની ઇનામ રકમ જીતી લીધી. લગભગ બે દાયકા થયા છે અને હવે રવિ મોહન સૈનીએ વર્ષ 2014માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બન્યા હતા. હાલ 33 વર્ષની વય ધરાવતા અને પોરબંદરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સૈની અગાઉ રાજકોટમાં ડીસીપી તરીકે કાર્યરત હતા. તેઓ એક સૈનિક પરિવારમાંથી આવે છે. તેઓ મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. તેમના પિતા નૌકાદળના સેવાનિવૃત્ત અધિકારી છે. રવિ મોહન સૈની અંગે વધુ વાત કરીએ તો તેમણે એમબીબીએસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ભણતરમાં ઘણા હોંશિયાર હતા અને તેમને વાંચન પ્રત્યે પણ એટલો જ લગાવ હતો. તેમની ઈન્ટનશીપ ચાલી રહી હતી ત્યારે તેમણે યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં તેઓ પાસ થઈ ગયા હતા. તેમનું કહેવું છે કે, મારા પિતા નૌકાદળમાં હતા અને તેમની પાસેથી જ મને પ્રેરણા મળી અને હું પોલીસ દળમાં જોડાયો..