ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 મે 2020
શિયાળાના લાંબા વિરામ બાદ બદ્રીનાથ ધામના કપાટ આજે સવારે 4:30 વાગ્યે વૈદિક મંત્રોચ્ચારની સાથે ખોલવામાં આવ્યા હતા. કોરોના મહામારીના લોકડાઉનના કારણે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી નહોતી. માત્ર જૂજ લોકોની હાજરીમાં જ ભગવાન બદ્રી વિશાલના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. કપાટોદ્ઘાટનમાં મુખ્ય પૂજારી રાવલ, ધર્માધિકારી ભૂવન ચંદ્ર ઉનિયાલ, રાજગુરુ સહિત માત્ર 28 લોકો જ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું હતું. બાબા બદ્રીનાથના કપાટ ખોલતા પહેલા સમગ્ર મંદિર પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું અને મંદિરના પરિસરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. ભગવાન બદ્રી વિશાલની આજે પહેલી અભિષેક પૂજા વડાપ્રધાન મોદી તરફથી કરવામાં આવી, જેથી કોરોના વાયરસ નામની મહામારીને દેશ અને વિશ્વભરમાંથી દૂર કરવામાં સૌને સફળતા મળે..