ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
12 મે 2020
ગુજરાત હાઇકોર્ટે 2017 માં થયેલી વિધાનસભાની ચૂંટણીને ગેરલાયક ઠેરવી રદ કરી છે. રાજ્ય સરકારના કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017 માં થયેલી ધોળકા વિધાનસભાની ચૂંટણીને પડકારતી અરજી મામલે આજે ગુજરાત હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આખી ચૂંટણીને જ રદ્દ કરતા હવે ભુપેન્દ્ર ચુડાસમાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું એ જ એક રસ્તો બચ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ રૂપાણી સરકારને પણ મોટો ધક્કો લાગ્યો છે, કારણકે ચુડાસમા ની ગણતરી રાજ્યના કદાવર નેતામા થાય છે.
2017 માં ધોળકા વિધાનસભાની થયેલી ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારને વધુ પોસ્ટલ બેલેટ પેપર મત મળ્યા હતા, જ્યારે ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઓછા પોસ્ટલ બેલેટ મળ્યા હોવા છતાં સરકારના દબાણમાં આવીને ભુપેન્દ્રસિંહ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા એવા આરોપસર આ ચૂંટણીને કોંગ્રેસ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આ સંદર્ભે ટ્વીટ કરી લખ્યું છે 'સત્યમેવ જયતે'. જોકે આવી પરિસ્થિતિમાં બીજો એક રસ્તો બચે છે કે છ મહિનાની અંદર ભુપેન્દ્રભાઈ એ ફરીથી ચૂંટાઈને આવવું પડશે તો જ તેઓ ધારાસભ્ય તરીકે કંટીન્યુ રહી શકશે. આ આખી ઘટનામાં ગુજરાતની ભાજપા સરકારનું ગણિત ડામાડોળ થયું છે કારણકે રાજ્યસભામાં એક મત ઓછો થવાથી ભાજપને ફટકો પડશે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ આ આદેશ વિરુદ્ધ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં જશે..