News Continuous Bureau | Mumbai
Agricultural News : સુરત જિલ્લામાં આંબાપાકની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માટે પ્રવર્તમાન વાતાવરણમાં ફેરફારને અનુરૂપ આંબાપાકમાં કરવાના થતા ખેતીકાર્યો નીચે મુજબ છે. દક્ષિણ ગુજરાતમાં ચાલુ વર્ષ દરમ્યાન આંબાવાડીયામાં ખુબ જ સારો મોર (પુષ્પવિન્યાસ) જોવા મળ્યો છે. આંબાપાકની વૃદ્ધિ માટે ૨૧૦ સે. થી ૨૭૦ સે. અને ફૂલધારણ માટે ૧૫૦ સે. થી ૧૮૦ સે. તાપમાન ઉત્તમ હોય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમ્યાન વાતાવરણમાં ખૂબ જ ફેરફાર જોવા મળ્યો, જેમાં ખાસ કરીને દિવસ-રાત્રિના તાપમાનમાં વધુ તફાવતને લીધે પુષ્પવિન્યાસમાં નર ફૂલોમાં વધારો અને માદા ફૂલો તેમજ પરાગરજની ફળદ્રુપતામાં પણ ઘટાડો થયો છે. તેથી ફૂલોમાં ફળધારણ ખૂબ જ ઓછું છે. આ વર્ષે તાપમાનમાં ફેરફારની સાથે સાથે વાતાવરણમાં વધુ ભેજના ટકા સાથે રાત્રિ દરમ્યાન ભેજનું પ્રમાણ વધારે રહેવાથી જીવાત અને રોગનું પ્રમાણ જાન્યુઆરી માસમાં વધુ હોવાથી આંબાની વાડીમાં ફળધારણ ખુબ જ ઓછું જોવા મળ્યું છે.
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આંબાપાકમાં ફળધારણને ટકાવી રાખવા જરૂરિયાત મુજબ મધિયાના નિયંત્રણ માટે ફેનોબુકાર્બ ૫૦ ઈ.સી. ૧૦ મિલી અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ.૩૦ મિલી પ્રતિ ૧૦૦ લીટર પાણીમાં અને ભૂકી છારાના નિયંત્રણ માટે હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦૦ મિલી અથવા પેનકોનાઝોલ ૧૦ ઈસી ૫૦ મિલી પ્રતિ ૧૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જો વાડીમાં થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો ફીપ્રોનીલ ૫ એસસી ૨૦૦ મિલી પ્રતિ ૧૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફલીનીકરણ અને ફળધારણ પ્રક્રિયા દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેળના થડમાંથી તૈયાર કરેલ નોવેલ ઓર્ગેનિક લિકવીડ ન્યુટ્રિઅન્ટ ૧ લીટર પ્રતિ ૧૦૦ લીટર પાણી લઈને છંટકાવ કરવાથી ફળનું ખરણ ઘટાડી શકાય છે. વધુમાં કેરીનું ખરણ અટકાવવા માટે કેરી-વટાણા કદ જેવડી થઈ હોય તો નેપ્થેલીન એસેટિક એસિડ ૨ ગ્રામ અને યુરિયા ૨ કિ.ગ્રા. ૧૦૦ લીટર પાણીમાં ઓગાળી ૧૫-૨૦ દિવસના આંતરે બે છંટકાવ કરવો.
આ સમાચાર પણ વાંચો: Godrej Enterprises : ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે જીત્યા ઈન્ડિયા ડિઝાઇન માર્ક એવોર્ડ્સ 2024 ખાતે એવોર્ડ્સ
આ સાથે ઝાડ દીઠ ૧.૮ કિ.ગ્રા. એમોનિયા સલ્ફેટ અથવા ૭૦૦ ગ્રામ યુરિયા ખાતર પિયત સાથે આપવું અને ત્યારબાદ ૧૫ થી ૨૦ દિવસે બીજું હળવું પિયત આપવાથી કેરીના ફાલ(મોર)માં ખરણ ઘટાડી શકાય છે. વધુ મહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.