News Continuous Bureau | Mumbai
- બજાર ભાવ કરતા ટેકાનો ભાવ વધુ મળતા રાજ્યના ખેડૂતોમાં ખુશહાલી છવાઈ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
- અત્યાર સુધીમાં ૨.૯૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૬,૭૦૦ કરોડના મૂલ્યની કુલ ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ
- રાજ્યના ૨૦,૫૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૨૫૨ કરોડના મૂલ્યની કુલ ૫૧,૪૦૦ મેટ્રિક ટનથી વધુ સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદાઈ
- નોંધણી કરાવેલ તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૮ ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે
- અત્યાર સુધીમાં મગફળી માટે ૨.૩૨ લાખ ખેડૂતોને રૂ. ૫,૧૭૨ કરોડ અને સોયાબીન માટે ૧૭,૦૦૦ ખેડૂતોને રૂ. ૨૧૦ કરોડનું ચૂકવણું કરાયું
Agriculture: ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ ૧૮.૮૦ લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ ૨.૫ લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Republic Day 2025: 76માં પ્રજાસત્તાક દિવસનો સમાપન વિજય ચોક ખાતે થશે, ત્રણ સેનાઓ, CAPFના બેન્ડ દ્વારા આટલી ભારતીય ધૂન વગાડશે.
Agriculture: ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬.૬૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતા. જેથી મગફળી પાકના વેચાણ માટે રાજ્યના ૩.૭૨ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ૧૯૭ ખરીદ કેન્દ્રો ખાતેથી ૨.૯૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૬,૭૦૦ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧૦ લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે ૨.૩૨ લાખ ખેડૂતોને રૂ. ૫,૧૭૨ કરોડથી વધુનું ચૂકવણું પણ સીધું તેમના બેંક ખાતામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે સોયાબીન માટે રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ.૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેના પરિણામે ટેકાના ભાવે સોયાબીનના વેચાણ માટે રાજ્યના કુલ ૨૪,૮૦૦થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ ૮૮ ખરીદ કેન્દ્રો પરથી આશરે ૨૦,૫૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૨૫૨ કરોડથી વધુના મૂલ્યની કુલ ૫૧,૪૦૦ મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે ૧૭,૦૦૦ જેટલા ખેડૂતોને રૂ. ૨૧૦ કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે.
રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે. બાકીના તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૮ ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.