248
Join Our WhatsApp Community
Gujarat Castor Production :
- ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાનો અનુક્રમ જાળવ્યો
- ગુજરાતના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ
- દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૮૧ ટકાથી વધુ
- ભારતમાં વૈશ્વિક માંગના ૯૦ ટકા જેટલા એરંડાનું ઉત્પાદન
ગુજરાતે સમગ્ર વિશ્વમાં “વૈશ્વિક એરંડા ઉત્પાદન હબ” તરીકેની પોતાની ઓળખને વધુ મજબૂત બનાવી છે. એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત માત્ર દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧.૪૨ ટકાના ફાળા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું એરંડા ઉત્પાદક રાજ્ય છે. એટલા માટે જ, ગુજરાતના એરંડા અને એરંડિયા તેલની (દિવેલની) વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા આજે પણ વૈશ્વિક બજારમાં અકબંધ છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ સાંભળતાની સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કૃષિ ક્ષેત્રને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા માટેના નવતર પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કરેલા માળખાકીય અને નીતિગત પ્રયાસોથી ગુજરાતનું કૃષિ ક્ષેત્ર ગતિશીલ બન્યું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનું એરંડા ક્ષેત્ર પણ વધુ સુદ્રઢ અને સક્ષમ બન્યું છે.
Gujarat Castor Production : એરંડાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત અવ્વલ
વર્ષ ૨૦૦૩માં રાજ્યનો એરંડા પાકનો કુલ વાવેતર વિસ્તાર માત્ર ૨.૯૦ લાખ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને બમણો એટલે કે, ૬.૪૬ લાખ હેકટર થયો છે. માત્ર વાવેતર વિસ્તાર જ નહિ, એરંડાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં પણ ગુજરાતે સતત વધારો કર્યો છે. વર્ષ ૨૦૦૩માં રાજ્યનું એરંડા ઉત્પાદન ૫.૪૧ લાખ મેટ્રિક ટન હતું, જે વર્ષ ૨૦૨૪માં આશરે ત્રણ ગણા વધારા સાથે ૧૫.૯૫ લાખ મેટ્રિક ટન થયું છે. તેવી જ રીતે, એરંડાની ઉત્પાદકતા પણ વર્ષ ૨૦૦૩માં ૧,૮૬૪ કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે વધીને વર્ષ ૨૦૨૪માં ૨,૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઇ છે.
Gujarat Castor Production : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલનો પ્રતિભાવ
આ સંદર્ભે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં દાયકાઓથી પ્રથમ રહેવાનું મુખ્ય કારણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓ છે. એરંડાના ઉત્પાદન અને આવકમાં વધારો મેળવવા માટે રાજ્યના મોટાભાગના એરંડા પકવતા ખેડૂતો ઉચ્ચ ગુણવત્તા ધરાવતી એરંડાની સુધારેલી અને હાઈબ્રીડ જાતોનું વાવેતર કરી રહ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ખેડા, વડોદરા, રાજકોટ, જામનગર અને ગાંધીનગર જિલ્લામાં એરંડાનું પુષ્કળ વાવેતર થાય છે.
Gujarat Castor Production : એરંડાના મહત્વપૂર્ણ ઉપયોગ
ભારતીય જાતનાં એરંડામાં તેલનું પ્રમાણ ૪૮ ટકા હોય છે. આ ૪૮ ટકામાંથી લગભગ ૪૨ ટકા તેલ કાઢવામાં આવે છે. જ્યારે, બાકીનો ૬ ટકા ભાગ ખોળમાં રહી જાય છે. આ તેલમાં રિસિનોલેઇન નામના ટ્રાઇગ્લિસરાઇડ્સ ભરપૂર હોય છે. એટલા માટે જ, એરંડાના તેલનો ઉપયોગ કાચા માલ તરીકે પેઇન્ટ્સ, લુબ્રિકન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, કાગળ, રબર, ખાદ્ય ઉમેરણો જેવા વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક પણે વધી રહ્યો છે. આ ઉપરાંત એરંડાના તેલનો ઉપયોગ હાઇ-સ્પીડ એન્જિન અને વિમાનોમાં લુબ્રિકન્ટ તરીકે, બાયો ડીઝલમાં, પશુ ચિકિત્સામાં અને ઔષધીય કામોમાં પણ વધ્યો છે.
આ સમાચાર પણ વાંચો : iKhedut Portal : અમદાવાદમાં બાગાયતી ખેતીનો અવિરત વિકાસ, આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતદાર ખેડૂતો મેળવે છે ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો
એરંડામાંથી તેલ કાઢ્યા બાદ બચેલા એરંડાના ખોળનો ઉપયોગ કૃષિમાં કાર્બનિક ખાતર તરીકે થાય છે. ભારત સહિત પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ઘઉં, ચોખા અને કઠોળ જેવા ખાદ્યાન્નને સડતા અટકાવવા માટે તેને એરંડાના તેલ લગાવીને સાચવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત આજે વૈશ્વિક માંગના ૯૦ ટકા જેટલા એરંડાનું ઉત્પાદન કરી રહ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧ ટકા ફાળા સાથે ગુજરાત મુખ્ય ઉત્પાદક રાજ્ય બન્યું છે. વર્ષ ૧૯૬૦માં સમગ્ર વિશ્વનું એરંડા ઉત્પાદન ૫.૮ લાખ મેટ્રિક ટન હતું, જેમાં ભારતનો ફાળો ૧.૦૯ લાખ મેટ્રિક ટન હતો. જ્યારે, વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક એરંડા ઉત્પાદન ૨૦.૫ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું, જેમાં ભારતનો ફાળો ૧૮.૪૨ લાખ મેટ્રિક ટન રહ્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.