News Continuous Bureau | Mumbai
iKhedut Portal :
- છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ જિલ્લાના ૩૫ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી
- અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ ખેડૂત પોર્ટલ થકી વિવિધ બાગાયતી યોજનાઓમાં ખેડૂતોને ₹૨૨.૯૧ કરોડની સહાય ચૂકવાઇ
- બાગાયત સહિત કૃષિ અને પશુપાલન વિભાગની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ બન્યું ખેડૂતોનું સાથી :- શ્રી જયદેવ પરમાર, નાયબ બાગાયત નિયામક(ઈ.ચા.)
- આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં ફળ પાકો સહીત વિવિધ પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર દિન પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લાના ખેડૂતો બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાજ્ય સરકારની અનેકવિધ સહાય યોજનાઓ ખેડૂતોને પીઠબળ પૂરું પાડી રહી છે.
રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને કૃષિ સંબંધિત વિવિધ વિભાગની યોજનાઓના લાભો એક જ પ્લેટફોર્મ પરથી અને સરળતાથી મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોની અરજીઓ મંગાવવામાં આવે છે. આઈ-ખેડૂત પોર્ટલ થકી ખેડૂતો ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો મેળવી શકે છે.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના ૩૫ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી કરી છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧,૧૧૫ અરજી, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૭૦૩ અરજી અને વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૧૩,૦૫૧ અરજીઓ આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી બાગાયત ખાતાને મળી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જિલ્લાના ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ થકી વિવિધ બાગાયતી યોજનાઓમાં ₹૨૨.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ₹૭.૦૧ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ₹૭.૨૦ કરોડ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ₹૮.૭૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે.
બાગાયતદાર ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે તેમણે પ્રાકૃતિક શાકભાજી ઘટકમાં આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી હતી. અરજી કરતી વખતે તથા કર્યા બાદ કોઈપણ મૂંઝવણ હોય તો બાગાયત ખાતાની ઓફિસ પરથી જરૂરી તમામ માર્ગદર્શન મળી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો નિયત સમય મર્યાદા સુધી બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે પોર્ટલ પર અરજી કરી શકે છે. વધુમાં, વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો સહાય માટે અરજી કરી શકશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.