News Continuous Bureau | Mumbai
Krishi bazaar :
- ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરે છે, જેથી બજાર કિંમત કરતા ૩૦ થી ૪૦ ટકા વધુ ભાવ મળી રહ્યા છે
- સુરત જિલ્લા પંચાયત તથા સુરત મહાનગરપાલિકાની મહેનત રંગ લાવીઃ વેસુ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર વ્યવસ્થા ઉભી કરવામાં આવી જેમાં માત્ર બે મહિના દરમિયાન રૂા.૨૪ લાખનું માતબર વેચાણ થયુંઃ આત્મા પ્રોજેકટ ડાયરેકટર એન.જી.ગામીત
- ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરે છે, જેથી બજાર કિંમત કરતા ૩૦ થી ૪૦ ટકા વધુ ભાવ મળી રહ્યા છે
- અઠવાડિયામાં બુધ અને રવિવારે ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો લઈને આવે છેઃ સુરતીઓ હોંશે-હોંશે શાકભાજી, ફળોની ખરીદી કરી રહ્યા છેઃ
- માત્ર બે કલાકમાં ૮ થી ૧૦ હજારના ઉત્પાદનોનું વેચાણ કરીએ છીએઃ ખેડૂત વિકાસભાઈ ગામીત
- બાળપણમાં ગામડાના આહારમાં જે સ્વાદ આવતો હતો તે સ્વાદ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત આ શાકભાજીમાં આવી રહ્યો છે. ગ્રાહક કાંતિલાલ સોલંકી
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. ભૂમિની ઉત્પાદકતા અને ભૂગર્ભ જળ વધારવા, પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગ ઘટાડવા, લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણકારી ઉપાય છે, ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આવા ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળે એ માટે રાજ્ય સરકારે સામૂહિક વેચાણ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરી છે. સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ પ્રકારની બજાર વ્યવસ્થા શહેરના પોશ વિસ્તાર એવા વેસુ ખાતે ગત તા.૭મી એપ્રિલ-૨૦૨૫ના રોજ ઉભી કરવામાં આવી છે, જેમાં હાલ ૪૦ થી ૫૦ ખેડૂતો પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે આવે છે.
સુરત જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામકશ્રી એન.જી.ગામીત જણાવે છે કે, વેસુની એસ.ડી.જૈન કોલેજની બાજુમાં પ્રાકૃતિક કૃષિ બજાર બે મહિના પહેલા રાજ્યપાલશ્રીના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું. સપ્તાહમાં દર બુધ અને રવિવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન અહીં ખેડૂતો શ્રેષ્ઠ, સ્વાસ્થ્યપ્રદ, ગુણવત્તાવાળા અને કેમિકલમુક્ત શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું વેચાણ કરે છે, જેનો શહેરીજનોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર બે મહિનાના ટુંકાગાળામાં રૂા.૨૪ લાખનું માતબર વેચાણ થયું છે. આ બજારમાં વેસુ સહિત પાલ, અડાજણ, અલથાણ જેવા દૂરના વિસ્તારોમાંથી પણ શહેરીજનો હોંશે-હોંશે ખરીદી માટે આવે છે. ખેડૂતોને બજાર ભાવ કરતા ૩૦ થી ૪૦ ટકા વધુ ભાવો મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે મોડેલ ફાર્મ, પ્રેરણા પ્રવાસ તથા જીવામૃત્ત, ઘનજીવામૃત્તની તાલીમ પણ આપવામાં આવી છે.
માંડવીના ઉટેવા ગામના યુવા ખેડૂત વિકાસ ગામીતે જણાવ્યું કે, આ બજારમાં ભીંડા, રીંગણ, મેથી, ગલકા જેવા પ્રાકૃતિક શાકભાજી પાકો લઈને નિયમિત વેચાણ માટે આવું છું. સરકારે અમારા જેવા ખેડૂતો માટે બજાર વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સપ્તાહમાં બે વાર અમારી પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરીએ છીએ. દૈનિક રૂા.૮ થી ૧૦ હજારનું વેચાણ થાય છે એમ જણાવી આ પ્લેટફોર્મ પુરૂ પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
પ્રાકૃતિક કૃષિ બજારમાં નિયમિત ખરીદી કરવા માટે આવતા કૈલાશ કાગડીયાએ જણાવ્યું કે, પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યે શહેરીજનોનું આકર્ષણ વધ્યું છે. અહીં વેચાતા શાકભાજીનો ટેસ્ટ અને ક્વોલિટી કંઈક અલગ જ છે. સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલે કહ્યું કે, હું કેળાની ખેતી અને કેળાનું મૂલ્યવર્ધન કરીને વેફર, ચિપ્સ બનાવીને વેચાણ કરૂ છું. અહીં દૈનિક ૨૦૦ કિલો કેળા તથા અન્ય પ્રોડકટ મળીને રૂ.૧૫ થી ૨૦ હજારનું વેચાણ કરૂ છું. આ બજાર ઉપલબ્ધ કરવા બદલ જિલ્લા પંચાયત, આત્મા અને સુરત મહાનગરપાલિકાને ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gujarat Rain News : છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ-આહવા તાલુકામાં તેમજ વલસાડના કપરાડામાં ૯.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
વેસુ વિસ્તારના રહેવાસી કાંતિલાલ સોલંકી કહે છે કે, હું નિયમિત પ્રાકૃતિક કૃષિ બજારમાં ખરીદી કરવા આવું છું. અહી દેશી, કેમિકલ-ફ્રી શાકભાજી મળે છે. બાળપણમાં ગામડાના આહારમાં જે સ્વાદ આવતો હતો તે સ્વાદ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત આ શાકભાજીમાં આવી રહ્યો છે. આ બજારમાંથી લોકોને વધુમાં વધુ ખરીદી કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
ઓલપાડ તાલુકાના એરથાણ ગામના મહેશભાઈ પટેલ કહે છે કે, હું વર્ષોથી છ પ્રકારની હળદરની પ્રાકૃતિક ખેતી કરીને વેચાણ કરૂ છું. અત્યાર સુધી ઘરેથી, આસપાસના બજારમાં વેચાણ કરતો હતો. પણ હવે સુરતમાં કૃષિ બજાર મળવાથી અમારી મેથી, રાય, તલ જેવા ઉત્પાદિત વસ્તુઓ સરળતાથી વેચાણ થાય છે. પ્રાકૃતિક કૃષિ પેદાશોથી ખેડૂતોનો કૃષિ ખર્ચ ઘટ્યો છે અને આવક પણ વધી છે.
ખરીદી કરનાર પૂનમ પટેલ કહે છે કે, કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર વિના માત્ર પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજીનો સ્વાદ કંઈક અલગ છે. અહીં બે દિવસને બદલે દરરોજ પ્રાકૃતિક કૃષિ બજાર ખૂલ્લું રહે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.