Natural Farming :
‘માતા ભૂમિ પુત્રોમ વૃચિચ્ચા:’ અથર્વવેદના આ શ્લોક અનુસાર ધરતી આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ. પરંતુ વધારે ઉત્પાદન મેળવવા કૃત્રિમ ખાતર તથા જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગને પરિણામે જમીન, પર્યાવરણ, પાક અને સમગ્ર સજીવ સુષ્ટિમાં અસંતુલિતતા આવી છે. ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા ભારપૂર્વક આહ્વાન કરાઈ રહ્યું છે.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આજે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી કેવી રીત ઉપયોગી બની રહે છે તે જાણશું. જમીનએ ખેતીમાં પાયાનું અંગ છે. ખેત પેદાશ કેટલી આવશે તેનો સારો એવો આધાર જમીન ઉપર રહેલો છે. જમીન દ્વારા જ છોડને જરૂરી પોષણ અને આધાર મળી રહે છે. અત્યારના આધુનિક સંશોધનોથી ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનું વાવેતર કરતા થયા છે.
આ જાતો જમીનમાંથી પોષકતત્વોનો વધુ ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે. પરિણામે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને વધુ ઉત્પાદન મેળવવા જમીનમાં ખાતર આપવું પડે છે. ખાતરનો કાર્યક્ષમ અને ભલામણ પ્રમાણે ઉપયોગ કરી વધુ આર્થિક ફાયદો મેળવવો હોય તો જમીન ચકાસણી કરાવવી ખાસ જરૂરી છે. પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક દવાઓ આ તમામ આધારસ્તંભના યોગ્ય, વ્યવસ્થિત અને સંકલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા તેમજ પોષકતત્વોની ઉપલબ્ધિ વધારી શકાય છે.
Natural Farming : જમીન ચકાસણીની જરૂરીયાત શા માટે ?
૧. જમીનનું બંધારણ, નીતર શક્તિ, ભેજ સંગ્રહ શક્તિ તેમજ ભૌતિક ગુણધર્મોની જાણકારી મેળવવા.
૨. પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવાની જમીનની ક્ષમતા (જમીનની ફળદ્રુપતા) જાણવા.
૩. પાકને જરૂરી પોષક તત્વો ખૂટતા હોય તો તે કેટલા પ્રમાણમાં નાખવા તેની જાણકારી મેળવવા.
૪. જમીન ખારી કે ભાસ્મિક છે તે જાણી તેને અનુરૂપ સુધારણાના ઉપયોગ કરવા.
૫. ગ્રામ્ય, તાલુકા કે રાજયકક્ષાએ જમીનની ફળદ્રુપતાના નકશા તૈયાર કરવા.
(ક્રમશ:)