News Continuous Bureau | Mumbai
- પ્રાકૃતિક શાકભાજી ઝેરમુક્ત અને પોષક તત્વોથી ભરપૂર
- ખેડૂતો ઋતુ પ્રમાણે પ્રાકૃતિક શાકભાજીનું સમયસર વાવેતર કરે તો મબલખ ઉત્પાદન મેળવી શકે
- પ્રાકૃતિક શાકભાજીના વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી, વાવવાની પધ્ધતિ અંગેની જાણકારી
માહિતી બ્યુરો-સુરત:ગુરૂવાર: સુરત જિલ્લાના ધરતીપુત્રો વિવિધ પાકોની સાથે પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરીને ઝેરમુક્ત ખેતી અપનાવી રહ્યા છે. ખેડૂતો જો ઋતુ પ્રમાણે પ્રાકૃતિક શાકભાજીનું સમયસર વાવેતર કરે તો મબલક ઉત્પાદન મેળવી શકે છે. એ માટે બીજ માવજત, વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી, વાવવાની પધ્ધતિની સાથે જીવામૃતના ઉપયોગ અંગેની વિગતવાર જાણકારી મેળવીએ.
બીજ માવજત:
શાકભાજીના સારા ઉત્પાદન માટે બીજને બીજામૃતથી સંસ્કારિત કરો. બીજને સંસ્કારીત કરવાથી બીજમાં સારો ઉગાવો આવશે, તથા સારા પાકના રૂપમાં સારું ઉત્પાદન મળશે. બીજને જીવામૃતમાં ડુબાડો અને અમુક સામાન્ય બીજને ૬-૭ સેકન્ડ અને અમુક વિશેષ બીજને ૧૨-૧૪ કલાક સુધી ડુબાડો. જેમ કે, કારેલાનાં બીજ, ટિંડોળાનાં બીજ વગેરે. બીજને ચોક્કસ સમય પછી બહાર કાઢી તેમને છાયામાં સૂકવો ત્યારબાદ બીજનું ખેતરમાં વાવેતર કરો.
આ સમાચાર પણ વાંચો : Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
બીજના વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી:
જ્યારે આપણે પહેલાં વર્ષે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ છીએ. ત્યારે એવા શાકભાજી ઉગાડીએ કે, જે ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન આપતાં હોય. જેમ જેમ આપણી જમીન તાકાતવાળી થશે, આપણે રાસાયણિક ખાતર કરતાં વધુ શાકભાજીનું ઉત્પાદન લઈ શકીશું. આ પ્રમાણે આપણે પ્રથમ વર્ષે જમીનને સજીવ બનાવવાનો પ્રયાસ કરીશું. જમીન ઉપજાઉ થયા પછી આપણે કોઈપણ શાકભાજી ઉગાડી શકીએ છીએ.
શાકભાજી ઉગાડતાં પહેલાં લીલા પડવાશના રૂપમાં ઇકડ અથવા દ્વીદળીય કઠોળનું ઉત્પાદન લઈએ. ઉત્તરથી દક્ષિણ દિશામાં ચાસ પાડીએ અને એકદળ શાકભાજી સાથે દ્વીદળ શાકભાજી એકસાથે વાવીએ. સમયસર પાકને જીવામૃત આપતા રહીએ.