News Continuous Bureau | Mumbai
Shaileshbhai Patel: સરગવો પૃથ્વી પરનું અદભૂત વિવિધ ઉપયોગી પર્ણપાતી ઝાડ છે. સરગવો એ મોરીએસી કૂળનું વિશ્વનું અગત્યનું વૃક્ષ છે, જે શાકભાજી વૃક્ષ’ તરીકે દેશ અને દુનિયામાં ખ્યાતિ ધરાવે છે. ઉત્તમ પોષણ મૂલ્ય ધરાવતા સરગવાને ઔષધિય અને ઔદ્યોગિક ઉપયોગ સાથે ખેતીમાં એક રોકડીયા પાક તરીકે ટુંકા ગાળામાં વધારે આવક અને ઉત્પાદનના કારણે હવે સર્વત્ર લઈ શકાય છે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડમાં કાર્ય થઈ રહ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના ખેડૂત શૈલેષભાઈ શાંતિલાલ પટેલે સરગવાની ખેતીમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. વાત કરતા તેઓ કહે છે કે, પાંચ વર્ષ પહેલા દોઢ હેકટરમાં ૧૨ બાય ૮ના અંતરે સરગવાના ૧૫૦૦ રોપાઓનું વાવેતર કર્યું હતું. હું સમયંતારે ઘન જીવામૃત, જીવામૃત આપું છે. છેલ્લા વર્ષ દરમિયન ૬ લાખનું ઉત્પાદન મળ્યું હોવાનું અને સુરતની સરદાર માર્કેટમાં સરગવાનું વેચાણ સરળતાથી થતું હોવાનું તેઓ જણાવે છે.
આ સમાચાર પણ વાંચો : Maha Kumbh: સનાતન ધર્મના હૃદય સુધીની યાત્રા
Shaileshbhai Patel: તેઓ કહે છે કે, ખેતીની દૃષ્ટિએ ઘણી સારી આવક આપતો આ પાક છે. ઓછી મહેનતે સરગવો ઉગાડી શકાતો હોવાથી આ ખેતી આર્થિક રીતે ઘણી પોષણક્ષમ છે. સરગવો ઝડપથી વૃદ્ધિ પામતો, અછત પ્રતિકારક (ઓછા પાણીએ થતો) અને વિવિધ વિસ્તાર અને ખેત પદ્ધતિમાં સહેલાઈથી અનુકૂળ આવતો પાક છે.
પ્રાકૃતિક ખેતીથી આવક વધવાની સાથે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે એમ જણાવી શૈલેષભાઈ વધુમાં કહે છે કે, સરગવાના પાકમાં જીવાતોનું પ્રમાણ ઓછું હોય છે, પણ આંતરપાક લઈએ ત્યારે ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે, જેને પ્રાકૃતિક દવાઓના છંટકાવથી નિયંત્રિત કરી શકાય છે.
સુરત જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન.જી.ગામીતે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે માસ્ટર ટ્રેનરો દ્રારા સમયાંતરે ગામે ગામ તાલીમ આપવામાં આવી રહી છે જેના પરિણામે ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. આગામી સમયમાં પણ વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા સક્રિય પ્રયાસો કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.