News Continuous Bureau | Mumbai
- ખેતીમાં વેલ્યુ એડિશનથી નહિવત ખર્ચ અને વધુ આવક મેળવી: પાકના મૂલ્યવર્ધન થકી સરગવાના પાનનો પાવડર, લીલી હળદરનો પાવડર, સ્વાદિષ્ટ ગોળનું કરી રહ્યા છે વેચાણ
- ગ્રાહકો શોધવા જવું પડતું નથી, મારા ઉત્પાદનોની ગુણવત્તાથી ખેંચાઈને ગ્રાહકો સામે ચાલીને ખરીદવા આવે છે: નિમેષભાઈ
- ઔષધીય ગુણોથી ભરપૂર હળદર, શેરડીની પ્રાકૃતિક ખેતીથી વર્ષે લાખોનું ઉત્પાદન મેળવતા નિમેષભાઈ
- પ્રાકૃતિક પદ્ધતિથી મેથી, બ્રોકલી, મૂળા, મગ, કોબી, ડુંગળી જેવા જુદા-જુદા પાકોમાં પણ ઉત્તમ ઉત્પાદન મેળવ્યું
- ઝીરો બજેટ ખેતીથી વિના ખર્ચે માતબર કમાણી કરતા સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો
Natural farming: પ્રાકૃતિક ખેતીથી રાજ્યના ખેડૂતોને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તરફ નવી દિશા મળી છે. ગૌમાતાની સેવા અને લોકોને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં પ્રાકૃતિક ખેતી નિમિત્ત બની છે. સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા બારડોલી તાલુકાના નિઝર ગામના પ્રગતિશીલ ખેડૂત નિમેષભાઈ પટેલ શેરડી અને હળદરની મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ ખેતીની નવી વ્યાખ્યા લખી રહ્યા છે. ઔષધીય ગુણોથી ભરપૂર લીલી હળદર, શેરડીની પ્રાકૃતિક ખેતી ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાયુક્ત શુદ્ધ, સ્વાદિષ્ટ ગોળના વેચાણથી વર્ષે લાખોનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ઉપરાંત પોતાની કુલ ૧૫ વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી મેથી, બ્રોકલી, મૂળા, મગ, કોબી, ડુંગળી, કોથમીર જેવા જુદા-જુદા સહજીવી પાકો પણ લઈ રહ્યા છે. એટલું જ નહીં, અડધા વીઘા જમીન પર જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

૪૦ વર્ષીય યુવા ખેડૂત નિમેષભાઈ ઈશ્વરભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અભિયાનના માસ્ટર ટ્રેનર પણ છે. તેઓ ખેતી સાથે વેલ્યુ એડિશનનું મહત્વ સમજી સરગવાના પાનનો પાઉડર તેમજ લીલી હળદરના વેચાણ સાથે તેનો પાવડર બનાવી મૂલ્યવર્ધન કરી રહ્યા છે. તેઓ સપ્તાહમાં બે વાર સોમ અને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યા દરમિયાન બારડોલી સ્વરાજ આશ્રમ પાસે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર થકી પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે. જેને બારડોલી નગરજનોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. તેમના તમામ ઉત્પાદનો ચપોચપ વેચાઈ જાય છે. સુરત જિલ્લાના અને સુરત બહારથી જાગૃત્ત ખેડૂતો તેમના મોડેલ ફાર્મની મુલાકાત લેવા આવે છે, જ્યાં સેંકડો ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતીની વિષે તલસ્પર્શી સમજ આપી ચૂક્યા છે
આ સમાચાર પણ વાંચો: Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે
સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા નિમેષભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીનો ચમત્કાર કહો કે ગુણધર્મ.. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત હળદર આખું વર્ષ બગડતી નથી. ફ્રિજમાં મૂક્યા વિના ખૂલ્લામાં મૂકી રાખીએ તો પણ સતત એક વર્ષ તાજી રહે છે. મેં એક મહિના પહેલા હળદર રસોડામાં મૂકેલી છે, જે હજુ એવીને એવી તરોતાજા અને સ્વાદિષ્ટ છે. ફૂગ કે કોઈ રોગ જીવાત લાગ્યા નથી. જો રાસાયણિક દવા, યુરિયા ખાતરથી હળદર પકવી હોત તો તે થોડા કલાકોમાં જ બગડી જાત. વળી, લોકોની એવી માન્યતા છે કે કાળી જમીનમાં હળદર ન પાકે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ પ્રકારની જમીન હોય, ઉત્પાદન હંમેશા સરખું અને વધુ મળે છે. ખેડૂત નિમેષભાઈ પટેલ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી ખર્ચ વિનાની ખેતી છે. હું વર્ષ ૨૦૧૧થી રાસાયણિક ખેતી કરતો હતો. પરંતુ ૨૦૧૯માં આણંદ જિલ્લાના બોરિયાવી ગામના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત દેવેશભાઈના ખેતરની મુલાકાત લીધી ત્યારે મારા વિચારો બદલાયા અને દેવેશભાઈની પ્રેરણાથી રાસાયણિક ખેતીને હંમેશ માટે તિલાંજલિ આપી દીધી અને પ્રથમ વર્ષે દોઢ વીઘામાં શેરડીની પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા. જેમાં નહિવત ખર્ચે ૧૯ ટનનો ઉતારો મળ્યો હતો. ૧૧ ટન લામ પણ ઉતરી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિયાનમાં જોડાઈને હવે તમામ ૧૫ વીઘા જમીનમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરૂં છું. દર ૧૫ દિવસે જાતે બનાવેલા જીવામૃત્તને પિયત સાથે આપે છે.

Natural farming: તેમણે કહ્યું કે, સામાન્ય રીતે બજારમાં મળતી હળદર રાસાયણિક ખાતરથી ઉત્પાદિત હોય છે. ગુણકારી નેચરલ હળદરના અનેક લાભો છે. જેથી હળદરની પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. આ વર્ષે ચાર ગુંઠા (૪૪૦૦ ચોરસ ફૂટ) જમીનમાં ૨૦ મણ હળદરનું ઉત્પાદન મેળવ્યું છે. હળદરની આ સિઝનમાં ચાર ગુંઠા એટલે કે વીઘાના ચોથા ભાગની જમીન પર હળદર ઉગાડી રૂ.૩૨,૦૦૦ ની કમાણી કરી છે. પરિવારજનોની મદદથી પાવડર મેકિંગ, પ્રોસેસિંગ અને પેકિંગ ઘરેથી જ કરીએ છીએ. માત્ર સરગવાના પાનના પાવડરનું વેચાણ કરી ગયા વર્ષે રૂ.૪૫,૦૦૦ની આવક મળી હતી.
આ સમાચાર પણ વાંચો: Dhan-Dhanya Krishi Yojana: કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને મળશે વેગ, આ 100 જિલ્લાઓમાં શરૂ થશે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના…

નિમેષભાઈ બી.કોમ.નો અભ્યાસ કર્યો છે. તેઓ શેરડીમાં પણ મૂલ્યવર્ધન થકી ઓછી જમીનમાં વધુ આવક મેળવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, મેં આ વર્ષે દોઢ વીઘામાં શેરડી વાવી હતી. જેમાં ૧૬ ટનની શેરડીમાંથી ૨૦૦૦ કિલો ગોળ બનાવ્યો હતો. બજારમાં સામાન્ય ગોળના પ્રતિ કિલો રૂ.૬૦ થી ૭૦ ભાવ મળે છે, પરંતુ મારા પ્રાકૃતિક ગોળની કિંમત પ્રતિ કિલો રૂ.૧૨૦ મળી છે. ૯૦૦ કિલો ગોળનું વેચાણ કરી દીધું છે. આ ગોળ પણ લાંબો સમય તાજો અને સ્વાદિષ્ટ રહે છે. મારો ગોળ એક વાર ચાખનાર વ્યક્તિ બીજીવાર સામેથી આવે છે અને હોંશેહોંશે ગોળ ખરીદીને જાય છે.

Natural farming: તેઓ જણાવે છે કે, હળદર ઉગતા ૮ મહિના જેટલો સમય લાગે છે. એક રોપામાંથી આશરે બે કિલો જેટલી લીલી હળદરનું ઉત્પાદન મળે છે. સામાન્ય હળદરના કિલોના રૂ.૧૫૦ થી ૨૦૦ ભાવ હોય છે તેની સામે મારી નેચરલ હળદરના પ્રતિ કિલો રૂ.૪૨૫ ભાવ મળે છે. મારા વોટ્સએપ ગ્રુપમાં બારડોલી અને આસપાસના ગામોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના ચાહક એવા રેગ્યુલર ગ્રાહકો જોડાયેલા છે. જેઓ હળદર પાકે એ પહેલા જ એડવાન્સ બુકિંગ કરાવી દે છે. વધુમાં નિમેષભાઈએ જણાવ્યું કે, રાસાયણિક ખેતી ખેતરની જમીન અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. હાઈબ્રીડ બિયારણ, રાસાયણિક ખાતર અને મોંઘીદાટ દવાઓ વિના ઉત્પાદન મળતું જ નથી. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન પણ વધુ મળે અને ભાવો પણ સારા મળે છે, વળી, અનોખો કુદરતી સ્વાદ અને દિવસો સુધી પાક બગડતા નથી. જીવામૃત્ત, ઘનજીવામૃત્ત, નિમાસ્ત્ર અગ્નિસ્ત્રના છંટકાવથી રોગ-જીવાત પણ આવતી નથી.
આ સમાચાર પણ વાંચો: વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ- કહ્યું – ગોળીના ઘા પર… !
નિમેષભાઈ કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં મલ્ચીંગ (આચ્છાદન) કરવાથી ખૂબ સારા પરિણામો મળે છે. મારે હવે ઊંડી ખેડ કરવી પડતી નથી. રસાયણનો ઉપયોગ બંધ કરતા જમીન ભરભરી બની છે અને અળસિયા ઉત્પન્ન થવા લાગ્યા છે. ચોમાસામાં અનરાધાર વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી છે. પાકની ગુણવત્તા, સ્વાદ અને સુગંધમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. પ્રાકૃતિક ખેતીથી મને વર્ષે પરંપરાગત ખેતી કરતા વધુ આવક મળી રહી છે. કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ અને વધી રહેલી બીમારીઓને નાથવા ખેડૂતોએ પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. આજના યુવાનો ખેતી છોડી અન્ય ધંધા, રોજગાર તરફ વળી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી થકી પણ લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય છે તેનો મેં જાતઅનુભવ કર્યો છે એમ નિમેષભાઈ જણાવે છે.
(ખાસ લેખ: પરેશ ટાપણીયા)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed


