ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
રાજ્ય સરકારે જાહેર કરેલી સ્ટૅમ્પ ડ્યુટીની છૂટનો લાભ ઘણા મોટા રોકાણકારોએ લીધો છે. છૂટછાટને કારણે શહેરના સ્થાવર મિલકત ક્ષેત્રે કરોડો રૂપિયાના સોદા થયા છે. પુણે સ્થિત બિલ્ડરે દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ પર ડુપ્લેક્સ ફ્લૅટ ખરીદ્યો છે. આ ફ્લૅટની કિંમત ૧૦૩.૮ કરોડ રૂપિયા છે.
આ મિલકતનું ક્ષેત્રફળ 7118 ચોરસફૂટ છે. એમાં ટેરેસ 3507 ચોરસફૂટનો વિસ્તાર ધરાવે છે. આ સોદામાં 3 કરોડ 40 લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી રાજ્ય સરકારને ચૂકવવામાં આવી છે. ઉપરાંત પાંચ પાર્કિંગ પણ આમાં સામેલ છે. રાજ્ય સરકારે જાન્યુઆરી 2021 અને માર્ચ 2021 દરમિયાન સ્ટૅમ્પ ડ્યુટી 5 ટકાથી ઘટાડીને 3 ટકા કરી દીધી હતી. સરકારે ટ્રાન્ઝેક્શનની નોંધણીને પછીથી મંજૂરી પણ આપી દીધી હતી. આનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને એને કારણે લાગેલા લૉકડાઉનમાં અનેક લોકો નાણાકીય ભીડમાં સપડાયા છે, પરંતુ મહાનગર મુંબઈમાં રોકાણકારોએ આટલી મોટી રકમનું રોકાણ કર્યું છે. ઉપરાંત એ જ ટાવરમાં બીજી પણ એક મોટી ડીલ થઈ હતી. આ સોદાની કિંમત 103.65 કરોડ રૂપિયા છે.