ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મધ્યપ્રદેશની ભિંડ પોલીસ દ્વારા એમેઝોન ઓનલાઈન પોર્ટલ દ્વારા ગાંજાની ઓનલાઇન ડિલિવરી કરવાના ચોંકાવનારા મામલામાં વધુ એક કમનસીબ વળાંક આવ્યો છે. આ સંવેદનશીલ કેસનો પર્દાફાશ કરનારા મધ્ય પ્રદેશ પોલીસના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ મનોજ કુમાર સિંઘની બદલી કરી નાખવામાં આવી છે. એમેઝોનના દબાણમાં સરકારે આ નિર્ણય લીધો હોવાનો આરોપ કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)એ કર્યો છે.
મધ્ય પ્રદેશ પોલીસના સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ મનોજ કુમાર સિંઘની બદલી ભોપાલમાં કરવામાં આવી છે. તેમના સ્થાન નવા એસપી શૈલેન્દ્ર ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એ મધ્યપ્રદેશ સરકાર પર એમેઝોનના દબાણ હેઠળ કામ કરવાનો આરોપ મૂક્યો છે.
CAITએ બહાર પાડેલી પ્રેસ રિલિઝમાં પોલીસ અધિકારી મનોજ સિંઘ અત્યંત ઈમાનદાર અને બહાદુર અધિકારી ગણાવ્યા હતા. CAITએ દાવો કરતા કહ્યું હતું કે પોલીસ અધિકારીએ પ્રશંસનીય રીતે ડ્રગ્સ કૌભાંડનો સંપૂર્ણ રીતે પર્દાફાશ કર્યો હતો અને તેના મૂળિયા સુધી પહોંચી ગયા હતા. તેઓએ એમેઝોનના કેસને અત્યંત ઇમાનદારીથી સંભાળી રહ્યા હતા. છતાં ચાલુ તપાસે અધવચ્ચેથી જ તેમને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
CAITએ કુશળ પોલીસ અધિકારીની બદલી સામે આશ્ચર્યની સાથે જ નારાજગી વ્યકત કરી છે અને પ્રેસ રિલિઝમાં કહ્યું હતું કે દેશની સિસ્ટમ વિદેશી ભંડોળ ધરાવતા જાયન્ટ્સ કંપનીઓના દબાણ હેઠળ કેવી રીતે કામ કરી રહી છે, તે આ પોલીસ અધિકારીની બદલી પરથી જણાઈ આવ્યું છે. દેશની સિસ્ટમ વિદેશી ભંડોળવાળી કંપનીઓના હાથમાં કેદ થઈ ગઈ છે. MP અને દેશના વેપારીઓ તેને હળવાશથી લેશે નહીં અને ટૂંક સમયમાં CAIT મધ્ય પ્રદેશ સરકારના આવા કૃત્ય સામે તેમના આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.