ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ 2021
શનિવાર
કોરોનાની પહેલી લહેરમાંથી માંડ બેઠા થયેલા પર્યટન ઉદ્યોગની માઠી દશા ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં આ ઉદ્યોગને 70થી 80 ટકાનો ફટકો પડ્યો છે. પર્યટન ઉદ્યોગ માંડ પાટે ચઢ્યો હતો. એપ્રિલ-મે મહિનો પર્યટનની સિઝનનો ગણાય છે, પરંતુ બરાબર એપ્રિલ-મે મહિનામાં રહેલા લૉકડાઉનને પગલે આ ઉદ્યોગ આર્થિક રીતે ભાંગી પડ્યો છે.
મહારાષ્ટ્રના પર્યટન ખાતા દ્વારા મુંબઈ, પુણે, નાશિક સ્થિત 600 હૉટેલચાલકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડ્યો હોવાનું જણાઈ આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં કોરોનાની પરિસ્થિતમાં રાહત મળતાં પર્યટન ઉદ્યોગના ચઢતા દિવસ આવ્યા હતા. જોકે અચાનક માર્ચ મહિનાથી બીજી લહેરને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને પગલે એપ્રિલ- મે મહિનાનાં તમામ બુકિંગ રદ થઈ ગયાં હતાં.
પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા હૉટેલ, રેસ્ટોરાં, ટ્રાન્સપૉર્ટ્સ, ટૂર ઑપરેટર, ટ્રાવેલ એજેન્ટોને ઉનાળુ વૅકેશનમાં ધંધો સારો થવાની અપેક્ષા હતી, પરંતુ લૉકાડઉનને પગલે એપ્રિલ-મેનાં તમામ બુકિંગ રદ થયાં હતાં. એપ્રિલ-મે મહિનામાં 55 ટકા હૉટેલનો વ્યવસાય ડિસેમ્બરની તુલનામાં 90 ટકા જેટલો ઘટી ગયો હતો.
રાજ્યની 24 ટકા હૉટેલના ધંધામા 70થી 90 ટકાનો ફટકો પડ્યો હતો. એપ્રિલ-મેમાં 70 ટકા હૉટેલોની રૂમો ખાલી પડી રહી હતી. ફેબ્રુઆરીમાં આખા વર્ષનો માત્ર 3 ટકા વ્યવસાય થયો હતો. પર્યટનના ધંધાને થયેલી અસરને પગલે અનેક લોકોને નોકરી ગુમાવી પડી હતી. 44થી 50 ટકા હૉટેલોએ પોતાના કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂક્યા હતા.
