ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
તહેવારોમાં તેલના ભાવ આસમાને પહોંચેલા છે. એ સમયે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લઈને તેલ પર રહેલા ટૅક્સને ઘટાડવાનો નિર્ણય લીધો. એમાં મુખ્યત્યવે સોયા તેલ અને સૂરજમૂખીના તેલની ઇમ્પૉર્ટ ડ્યૂટીને ઘટાડીને અડધી કરી નાખી છે. જોકે ઇમ્પૉર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલો ઘટાડો તાત્પૂરતો છે. સરકાર આ નિર્ણય ગમે ત્યારે પાછો ખેંચી શકે છે. એથી દિવાળી સમયે જ તેલના ભાવમાં ફરી વધારો થવાની ભારોભાર શક્યતા છે.
સામાન્ય માણસ પહેલાંથી મોંધવારીના ચક્કરમાં પિસાયેલો છે. એવામાં તહેવારોમાં તેલના વધેલા ભાવે ગૃહિણીના કિચન બજેટને પણ અસર કરી છે. એથી સરકારે લોકોને રાહત આપતો નિર્ણય લીધો છે. સોયા તેલ અને સૂરજમુખીના તેલની ઇમ્પૉર્ટ ડ્યૂટીને ઘટાડી નાખી છે. ડ્યૂટી 15 ટકાથી 7.5 ટકા કરી નાખવામાં આવી છે, એટલે કે વિદેશથી આવતું તેલ સસ્તું થઈ જશે.
અહીં ઉલ્લેખનીય છે કે તેલનું દેશમાં ઉત્પાદન માત્ર 70થી 80 લાખ ટન છે. એની સામે ભારત વર્ષમાં 60,000થી 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 1.5 કરોડ ટન તેલની ખરીદી કરે છે. ભારતમાં તેલની સરેરાશ ડિમાન્ડ 2.5 કરોડ ટન છે.
ગયા વર્ષમાં ભારતે 72 લાખ પામ ઑઇલની મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરી હતી. 34 લાખ ટન સોયા તેલની આયાત બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી અને 25 લાખ ટન સૂરજમુખી તેલની આયાત રશિયા અને યુક્રેનથી કરી હતી. ભારતમાં મલેશિયા અને ઇન્ડોનેશિયા આ બે દેશથી પામ ઑઇલની આયાત કરવામાં આવે છે. ડિમાન્ડ અને સપ્યાલમાં રહેલા ગેપને કારણે બજારમાં તેલના ભાવને અસર થાય છે.
કેન્દ્ર સરકારે હાલમાં સર્ક્યુલર બહાર પાડીને સોયાબીન અને સનફ્લાવરના આયાત શુલ્કમાં 7.5 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જોકે આ રાહત ફક્ત તહેવારો પૂરતી રહેવાની છે. જોકે ઇમ્પૉર્ટ ડ્યૂટીમાં ઘટાડો ફક્ત 30 સપ્ટેમ્બર સુધી જ રહેશે, ત્યાર બાદ સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચી શકે છે. એટલે નવરાત્રી અને દિવાળી સમયે ફરી તેલના ભાવ આસમાને પહોંચવાની ભારોભાર શક્યતા છે.
દેશભરના ઝવેરીઓએ આ માગણીને લઈને 23 ઑગસ્ટના જાહેર કરી ટોકન સ્ટ્રાઇક; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે હજી બુધવારે જ કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોના ઘરેલુ ઉત્પાદન વધારીને બીજા દેશો પર નિર્ભરતા ઓછી કરવા મટે 11,040 કરોડ રૂપિયાની નૅશનલ મિશન ઑન એડિબલ ઑઇલ્સ પામ યોજનાને લાગુ કરવાને મંજૂરી આપી છે. દેશમાં તેલનું ઉત્પાદન માત્ર 30 ટકા છે. ઉત્પાદન વધવા છતાં ઘરેલુ સ્તર પર એની કિંમતમાં ઘટાડો થતો નથી. ભારતમાં વિદેશથી આયાત થતાં ખાદ્ય તેલોમાં પામ ઓૉઑઇલનો હિસ્સો 55 ટકા છે. ભારત સરકારે વર્ષ 2025-26 સુધી પામ તેલનું ઘરેલુ ઉત્પાદન ત્રણ ગણું વધારીને 11 લાખ ટન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.