ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કોરોના મહામારીમાં લાગેલા આર્થિક ફટકામાંથી સામાન્ય માણસ માંડ માંડ ઉપર આવી રહ્યો છે ત્યારે હવે નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી, 2022થી સામાન્ય જનતાને વધુ મોંઘવારીનો ફટકો પડવાનો છે. નવા વર્ષમાં કપડાં, પગરખાં, ચપ્પલ ખરીદવા અને ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું મોંઘું પડવાનું છે. પહેલી જાન્યુઆરીથી રેડીમેડ ગારમેન્ટ્સ પર ગુડ્સ સર્વિસ ટેક્સ (GST) પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. તેનાથી રેડીમેડ કપડાં ના ભાવમાં પણ વધારો થશે.
સરકારના આ નિર્ણયનો વેપારી વર્ગથી લઈને સામાન્ય નાગરિકોમાં ઉગ્ર વિરોધ હોવા છતાં સરકાર પીછેહઠ કરવાના મૂડમાં નથી. તેથી નવા વર્ષથી ગ્રાહકોએ તૈયાર કપડાં ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કેન્દ્ર સરકારે કપડાં અને પગરખાં જેવા રેડીમેડ સામાન પર ગુડ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પાંચ ટકાથી વધારીને 12 ટકા કર્યો છે. આ ટેક્સ સ્લેબમાં નવા ફેરફારો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.
માનવસર્જિત ફાઇબર નો નવો દર 12 ટકા થશે, અગાઉ આ દર 18 ટકા હતો. તો સિન્થેટીક યાર્ન પર 12 ટકા GSTને યથાવત રાખવામાં આવ્યો છે. તમામ પ્રકારના ફેબ્રીક્સ પર પહેલા પાંચ ટકા GST હતો તે હવે 12 ટકા કરી નાખવામાં આવ્યો છે. કોટન પરના પાંચ ટકા GSTને યથાવત રાખવામાં આવ્યો છે. કોટન યાર્ન પરના પાંચ ટકા GSTને પણ યથાવત રાખવામાં આવ્યો છે. તો 1000 રૂપિયાની ઓછી કિંમતના કપડા પર અગાઉ પાંચ ટકા GST હતો તેને હવે 12 ટકા કરવામાં આવ્યો છે.
જો તમે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરો છો, તો તેની માટે પણ આવતા મહિનાથી વધુ પૈસા ચૂકવવા પડશે. કારણ કે નવા વર્ષમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો એપ અને સ્વિગી એપને પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા પર ટેક્સ ચૂકવવો પડશે. પહેલી જાન્યુઆરી, 2022થી ફૂડ ડિલિવરી એપ પર 5% GST લાગુ પડશે.
પહેલી જાન્યુઆરીથી બદલાઈ જશે ઓનલાઈન પેમેન્ટના નિયમઃ RBI લીધો આ મહત્વનો નિર્ણય જાણો વિગત
હાલમાં, આની ગ્રાહકોને સીધી કોઈ અસર થશે નહીં. સરકાર આ ટેક્સ ગ્રાહકો પાસેથી વસૂલશે નહીં અને તે એપ્લિકેશન કંપનીઓ પાસેથી લેશે, પરંતુ એપ્લિકેશન કંપનીઓ તેમના ટેક્સ ગ્રાહકો પાસેથી જ એનકેન પ્રકરણે વસૂલવાના છે. તેથી પહેલી જાન્યુઆરી, 2022 થી એપ દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું ગ્રાહકો માટે મોંઘુ પડી શકે છે.