ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
ભારત હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને હજારો લોકો પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે. તે જ સમયે એલઆઈસીએ ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને દાવાની પતાવટ સંબંધિત શરતોમાં થોડી રાહત આપવાની જાહેરાત કરી છે.
શુક્રવારે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો હોસ્પિટલમાં મોત નીપજ્યું હોય તો તેવા મૃત્યુ દાવાને ઝડપથી આગળ વધારવા માટે હવે ડેથ સર્ટીફિકેટની જરૂર નથી. એલઆઈસીએ મૃત્યુના વૈકલ્પિક પુરાવાઓને માન્યતા આપી છે. વૈકલ્પિક પ્રમાણપત્રમાં મૃત્યુના બીજા પુરાવા જેમ કે સરકાર / ઇએસઆઈ (કર્મચારી રાજ્ય વીમા) / સશસ્ત્ર દળ / કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા જારી કરવામાં આવેલા અને એલઆઈસીના પ્રથમ વર્ગના અધિકારીઓ અથવા ૧૦ વર્ષથી સેવા આપી રહેલા વિકાસ અધિકારીઓ દ્વારા સહી કરવામાં આવેલા જેમાં હોસ્પિટલમાં મૃત્યુની સ્પષ્ટ તારીખ અને સમયનો ઉલ્લેખ કરતા મૃત્યુ પ્રમાણપત્ર શામેલ છે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પુરાવાને અંતિમ સંસ્કારના પ્રમાણપત્ર સાથે અથવા સંબંધિત અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી અધિકૃત ઓળખ રસીદ સાથે રજૂ કરવાનો રહેશે. અન્ય કેસોમાં અગાઉની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મૃત્યુનું પ્રમાણપત્ર આપવું જરૂરી બનશે.