ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
કોરોનાને પગલે લોકોની આર્થિક હાલત નાજૂક છે, છતાં બજારમાં સોવેરિન ગોલ્ડ બૉન્ડ્સ (SGB)ની માગમાં વધારો થયેલો જણાઈ રહ્યો છે. રોકાણકારો માટે રોકાણ કરવા હાલ SGB અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) જોખમની દૃષ્ટિએ સલામત માનવામાં આવે છે. વધુ ને વધુ લોકો ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા માટે આકર્ષાઈ રહ્યા છે. ચાલુ આર્થિક વર્ષમાં અત્યાર સુધી 5,589 કરોડના ગોલ્ડના મૂલ્યની બરોબરીનું રોકાણ SGBમાં થયું છે.
કોરોનાના કાળમાં પણ છેલ્લા દોઢ વર્ષમાં સોનાના ભાવ આસમાને આંબી ગયા છે, છતાં લોકો એમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ઇક્વિટીમાં વોલેટિલિટી (અસ્થિતરતા)ને ધ્યાનમાં રાખીને રોકાણ કરવામાં પણ રોકાણકારો સાવધાની રાખી રહ્યા છે. પોતાના પૈસા સુરક્ષિત રહે એમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. એ મુજબ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ગોલ્ડ બૉન્ડ્સની પ્રથમ શ્રેણીમાં 5,589 કરોડના ગોલ્ડના મૂલ્યની બરોબરીનું રોકાણ SGBમાં થયું છે. SGB હેઠળના ગોલ્ડની કુલ માત્રા 11.60 ટનની રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં 2015ની સાલમાં SGBને લૉન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધી 74 ટન ગોલ્ડના સમાન SGB બહાર પાડવામાં આવ્યા છે. SGB ની સાથે જ લોકો ગોલ્ડ ETFમાં પણ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.