News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(Corona outbreak) આજે દેશમાં નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ કોરોનાએ દેશના અર્થતંત્રને(Economy) સંપૂર્ણપણે હચમચાવી નાખ્યું છે. RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) એ કહ્યું કે છે દેશને આમાંથી બહાર આવવામાં 12 વર્ષનો સમય લાગશે. કેન્દ્રીય રિઝર્વ બેંકની રિસર્ચ ટીમ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે. છેલ્લા 3 વર્ષમાં ભારતને ઉત્પાદનમાં 50 લાખ કરોડથી પણ વધુ નુકસાન થયું છે.
RBIના રિપોર્ટ અનુસાર, કોરાનાથી થયેલા નુકસાન માંથી બહાર નીકળતા ભારતને વર્ષ 2034-35 સુધીનો સમય લાગી શકે છે. આ સિવાય 2020-21, 2021-22 અને 2022-23 માટે ઉત્પાદન ખાધ અનુક્રમે રૂ. 19.1 લાખ કરોડ, રૂ. 17.1 લાખ કરોડ અને રૂ. 16.4 લાખ કરોડ રહેવાનો અંદાજ છે.
નાણાકીય વર્ષ 2021-22 માટે ચલણ અને નાણા પરના RBIના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોનેટરી અને ફીસ્કલ પોલિસી(Monetary and fiscal policy) વચ્ચે સામયિક સંતુલન જાળવવું એ સ્થિર વૃદ્ધિ તરફનું પ્રથમ પગલું હોવું જોઈએ. જો કે, કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે કે આ રિપોર્ટ તેનો પોતાનો અભિપ્રાય નથી પરંતુ રિપોર્ટ તૈયાર કરનારાઓના મંતવ્યો રજૂ કરે છે.
આ સમાચાર પણ વાંચો : એમેઝોનના બે મોટા વેપારીઓ પર સીસીઆઈના દરોડા પડ્યા. વેપારી સંગઠન રાજી થયા.
RBIની રિસર્ચ ટીમે કહ્યું કે રોગચાળો(Epidemic) હજુ સમાપ્ત થયો નથી. ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપ સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણ હજુ પણ ફેલાયેલું છે. જોકે, તમામ દેશોની અર્થવ્યવસ્થાઓ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહી છે.
RBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળાને કારણે ભારતને ઉત્પાદન, આજીવિકા અને જીવનના સંદર્ભમાં ઘણું નુકસાન થયું છે અને તેમાંથી બહાર આવવામાં ઘણા વર્ષો લાગી શકે છે. અહેવાલ મુજબ, 'આર્થિક પ્રવૃત્તિઓ બે વર્ષ પછી પણ ભાગ્યે જ પ્રી-કોવિડ સ્તરે પહોંચી છે. ભારતની આર્થિક પુનઃપ્રાપ્તિ રોગચાળાના આંચકા સિવાય ઊંડા માળખાકીય પડકારોનો પણ સામનો કરી રહી છે. આ સિવાય રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે પણ આર્થિક વ્યવસ્થાની ગતિ ધીમી કરી દીધી છે. યુદ્ધના કારણે કોમોડિટીના ભાવમાં વધારો, વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ નબળો પડવાથી અને વૈશ્વિક નાણાકીય સ્થિતિએ પણ મુશ્કેલીઓ ઊભી કરી છે.